• રાજ્યમાં હોસ્પિટલમાં થતા આગ અકસ્માત વહીવટી તંત્ર સામે અનેક સવાલો છોડી જતા હોય છે
  • છેલ્લા 6 મહિનામાં ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં આગની અનેક ઘટના બન્યા બાદ પણ નિંદ્રાધીન તંત્ર જાગતું નથી

#Rajkot - પાંચનો ભોગ લેનાર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ અંગે કેટલીક મહત્વની વાતો અને ઉઠતા સવાલો

WatchGujarat. Rajkot શહેરનાં આનંદ બંગલા ચોક ખાતે આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં ગતરાત્રે ભભૂકી ઉઠેલી આગમાં પાંચ લોકો ભડથું થયા હતા. આ દરમિયાન કેટલીક મહત્વની વાતો પણ સામે આવી છે. જેમાં સ્ટાફનાં કેટલાક લોકોએ જીવનાં જોખમે દર્દીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તો જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટાયેલા ધારાસભ્યોએ રાત્રે સ્થળ મુલાકાત લેવાની તસ્દી પણ લીધી નહોતી. તો હોસ્પિટલોમાં આગની ઘટનાઓ માત્ર ગુજરાતમાં જ કેમ ? જેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

અગ્નિકાંડ અંગે કેટલીક મહત્વની વાતો

એક જોરદાર ધડાકો થયો અને સેનેટાઈઝર સહિત ઓક્સિજનનાં ફ્લોનાં કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગતા જ અફરાતફરી મચી ગઇ હતી. અને કેટલાક દર્દીઓ આગથી બચવા બાથરૂમમાં પુરાઈ ગયા હતા. હોસ્પિટલનાં સ્ટાફે તમામ કાંચ તોડી નાખ્યા બાદ ધુમાડો ઓછો થતા દર્દીઓ માંડ શ્વાસ લઈ શક્યા હતા.

હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતા તેણે જીવના જોખમે કોવિડના સાત દર્દીઓને વારાફરતી ખભા પર ઉંચકી અગાસી પર પહોંચાડ્યા હતા. અન્ય એક ડોક્ટર કરમટાએ તો કોવિડ વોર્ડ હોવા છતાં પીપીઈ કીટ પણ પહેર્યા વિના વોર્ડમાં દોડી જઈને તેના હાથથી જ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને અમુક દર્દીઓને ઉંચકીને બહાર ખસેડયા હતા.

મૃતક કેશુભાઈ અકબરીનાં પુત્ર વિવેકે જણાવ્યું હતું કે, પિતાએ રાત્રે 11 વાગ્યે વીડિયો કોલ કરીને મારી અને પરિવાજનો સાથે વાત કરીને તબિયત ખૂબ સારી હોવાનું તેમજ બે દિવસમાં ડિસ્ચાર્જ થનાર હોવાનું જણાવ્યું હતું. વિવેકભાઈએ હોસ્પિટલ તંત્ર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, આગની આટલી મોટી ઘટના છતાં હોસ્પિટલ તરફથી પરિવારને ફોન કરી કોઇ જાણ કરવામાં આવી નથી. રાતે 2.20 વાગ્યે માલવિયા પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો અને પિતાનાં મૃત્યુનાં સમાચાર મળ્યા. આટલી મોટી દુર્ઘટના છતાં કલેક્ટર રેમ્યા મોહન અને કોઈપણ ધારાસભ્ય ડોકયા ન હતા, જો કે ભાજપનાં શહેર પ્રમુખ અને વિપક્ષનાં નેતા દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સીએમ રૂપાણીનાં હોમટાઉનમાં જ બનેલી આ દુર્ઘટના નર્સિંગ સ્ટાફે નજરે જોઈ છે, પરંતુ કોઈ નામ સહિત બોલવા તૈયાર નથી. આ પહેલા પણ 6 ઓગસ્ટે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીના મોત થયા હતા. 25 ઓગસ્ટે જ જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. જેમાં ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. અને તાજેતરમાં જ સુરતની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી. જેમાં તંત્રની સતર્કતાથી જાનહાની ટળી હતી.

#Rajkot - પાંચનો ભોગ લેનાર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ અંગે કેટલીક મહત્વની વાતો અને ઉઠતા સવાલો

અગ્નિકાંડને લઈને લોકોમાં ઉઠી રહેલા સવાલો

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ સૌથી મોટો સવાલ એ છે કે, કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની આવી ઘટનાઓ માત્ર ગુજરાતમાં જ કેમ બને છે ?

શું એક બાદ એક હોસ્પિટલમાં ભડકતી આગમાં કોઈ પોતાના રોટલા શેકી રહ્યું છે ?

શું ગુજરાત સરકારની ફાયર અંગેની પોલીસીમાં જ કોઈ ખોટ છે ?

રાજ્યનાં મહાનગરોની હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં લાગેલી આગ અંગે કોની સામે અને શું પગલાં લેવાયા ?

જો કે આવા બધા સવાલોનો જવાબ ‘તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે’ તેવો જ મળે છે. અને આગળ પણ મળતો રહેશે. પરંતુ આ તપાસ અને કાર્યવાહી ક્યારે થશે તે તો ઈશ્વર જ જાણે

#Rajkot News #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud