• દોંગા ગેંગનાં ગુનાઓમાં જેલના ઇન્ચાર્જ અધિક્ષક સહિતનાઓની વરવી ભૂમિકા
  • બે મહિના પહેલા જ ગુજરાતનાં જેલવડાની જડતી સ્ક્વોડે દરોડો પાડ્યો હતો
  • નિખિલ દોંગા તેના સાથીદારો અને બહારથી આવેલા સાગરીતો સાથે ભોજન કરતા હતા
Watchgujarat. નામચીન નિખિલ દોંગા ગોંડલ સબજેલમાં રહીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતો હતો. જેને પગલે દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો પણ નોંધાયો છે. દોંગા ગેંગનાં ગુનાઓમાં જેલના ઇન્ચાર્જ અધિક્ષક સહિતનાઓની વરવી ભૂમિકા હતી. ત્યારે જેલ એડિશનલ DGPએ આકરૂ પગલું ભરતા જેલના ઇન્ચાર્જ અધિક્ષક પરમાર અને 5 સિપાહીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
ગોંડલ સબજેલ ખાતે બે મહિના પહેલા જ ગુજરાતનાં જેલવડાની જડતી સ્ક્વોડે દરોડો પાડ્યો હતો. ત્યારે જેલની અંદર મિજબાની ચાલતી હતી. જેમાં જેલમાં રહેલો નિખિલ દોંગા તેના સાથીદારો અને બહારથી આવેલા સાગરીતો સાથે ભોજન કરતા હતા. નિખિલનાં સાગરીતોને બહારથી આવવા જેલના સિપાહીઓએ રાત્રે જેલના દરવાજા ખોલી આપ્યા હોવાની હકીકત પણ સામે આવી હતી. આ મામલે તત્કાલીન સમયે નિખિલ દોંગા સહિતનાઓ સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસની તપાસમાં જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે. પરમાર તેમજ જેલના સિપાહીઓની વરવી ભૂમિકા સામે આવી હતી. જેલ અધિક્ષક પરમાર સામે ગોંડલ પોલીસે ગુનો નોંધતા પરમારે ભૂગર્ભમાં ઉતરી જઈને આગોતરા જામીન મેળવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દેતા તે આજદિન સુધી ફરાર છે. બીજીતરફ નિખિલ દોંગા અને તેના સાથીદારો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધતા જેલમાં ચાલતા લોલમલોલનો અંત આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને રાજ્યના જેલવડા ડો.કે.એલ. રાવે ગંભીરતાથી લીધી છે. ડો.રાવે જેલ અધિક્ષક ડી.કે. પરમાર તેમજ હવાલદાર વિપુલ સોલંકી, સિપાહી અંકિત અગોલા, પીયૂષ મોરી, વિક્રમસિંહ બારડ અને સંદીપ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતા. ઇન્ચાર્જ જેલ અધિક્ષક અને સિપાહી સહિત છ કર્મચારી સસ્પેન્ડ થતાં ગોંડલ સબજેલમાં સોપો પડી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, નિખીલ દોંગા અને તેની ગેંગે જેલમાં રહીને અનેક ગુનાઓ આચરી રહી હતી. જેમાં ખંડણી ઉઘરાવવા ઉતરાંત મકાન ખાલી કરાવવાના ગુના પણ સામેલ છે. આ સિવાય નિખિલ જેલમાંથી બેરોકટોક રીતે ફોન પર વાત કરતો હતો. એટલું જ નહીં બહારથી તેને મળવા આવતા માણસો માટે જેલના દરવાજા પણ ખુલતા હતા. નિખિલ અને તેની ગેંગનાં આ ગુનાઓમાં જેલના અધિકારીઓ અને સિપાહીઓની પણ સ્પષ્ટ સંડોવણી હોઈ તેની સામે અંતે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud