- સમગ્ર ઘટના માટે હોસ્પિટલની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા માત્ર દર્દીઓનાં મોત થવા પર સવાલો ઉઠાવ્યા
- મૃતકનાં અન્ય એક સ્વજને તો બહારથી દરવાજા બંધ કરી દેવાયા હોવાનો આક્ષેપ પણ કર્યો
WatchGujarat. Rajkot શહેરની ઉદય શિવાનંદ હોસ્પિટલ આગમાં 5 દર્દીઓના મોત નિપજ્યા છે. તે તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર મૃતકોના પરિવારનો આક્રંદ જોવા મળ્યો હતો. પોતાનું સ્વજન ગુમાવ્યાનાં દુઃખમાં ગરકાવ પરિવારજનોએ રડતા-રડતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. જેમાં આ સમગ્ર ઘટના માટે હોસ્પિટલની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા માત્ર દર્દીઓનાં મોત થવા પર સવાલો ઉઠાવ્યા હતા.
આ આગમાં સંજય રાઠોડ નામના એક દર્દીનું પણ મોત નિપજ્યું છે. મૃતકનાં બહેને જણાવ્યું હતું કે, રાત સુધી તો બધુ સારૂ હતું. સવારે ઓચિંતાનુ જ આવું થયું. રાત્રે સાડા આઠ વાગ્યે અમારી સંજય સાથે વાત થઈ હતી, ત્યારે તેણે કહ્યું કે, બધુ સારૂ છે. સવારે હોસ્પિટલમાં ગયા તો અમને મરેલો ફોટો બતાવીને પૂછે છે કે, આ તમારા ભાઈ છે ? આવું કંઈ હોતુ હશે ? આમા તો ચોક્કસ હોસ્પિટલની બેદરકારી જ છે. હોસ્પિટલનાં સ્ટાફમાંથી તો કોઈને કંઈ જ થયું નથી, માત્ર દર્દીઓના જ મોત થયા છે. એનો મતલબ એ કે આગ લાગતા જ સ્ટાફ ભાગી ગયો હશે. તો મૃતકનાં અન્ય એક સ્વજને તો બહારથી દરવાજા બંધ કરી દેવાયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
તો અન્ય એક મોરબીનાં મૃતક નીતિનભાઈ બદાણીનાં પુત્ર અંકિતે પણ હોસ્પિટલની બેદ૨કારી હોવાની સાથે ફાય૨ સેફટીના સાધનો મુદ્દે સવાલો ઉઠાવ્યાં હતાં. અને જણાવ્યું હતું કે, તેમનાં પિતાને ૨વિવારે હોસ્પિટલમાં દાખલ ક૨વામાં આવ્યાં હતાં. ગતરાત્રે પરિવા૨જનોને તથા સગા–વ્હાલાને પપ્પા સાથે વાત ક૨વી હતી. આ માટે સાડા નવેક વાગ્યે વિડિયો કોલ કરી તબિયત વિશે પુછતાં પોતાને સારૂ હોવાનું કહ્યું હતું. જે બાદ રાત્રીના સાડા અગ્યારેક વાગ્યે ફરીથી મેં સુતા પહેલાં ફોન કર્યેા હતો. જેમાં પોતાની તબિયત સારી છે. અને તારો અવાજ કેમ ઢીલો છે સુઈ જવાનું કહયું હતું. જે પછી રાત્રીના અઢી વાગ્યે હોસ્પિટલથી ફોન આવ્યો હતો કે આગનો બનાવ બન્યો છે જેમાં નીતિનભાઈનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની હોસ્પિટલમાં આગ લાગી હતી. ત્રણ માળની હોસ્પિટલના પ્રથમ માળ પર આગ લાગી હતી. જેમાં પાંચ દર્દીઓનાં મોત નિપજ્યા છે. 3 દર્દીઓના આગમાં જ મોત થયા હતા, તો બાકીના બે દર્દીઓનાં અન્ય હોસ્પિટલમાં શિફ્ટીંગ સમયે જ મોત નિપજ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ વેન્ટીલેન્ટરમાં સ્પાર્ક થયો હોય તેવુ જણાયું છે. જેનાથી શોર્ટસર્કિટ થયો હોય તેવું લાગી રહ્યું છે.