- સમર્થ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ભીખુભાઈ ગોજીયાનો પુત્ર નિર્મલ હોલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો હતો
- 1 ડિસેમ્બરે આ નિર્મલનાં લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું.
- પ્રસંગે ભાજપના સાંસદ પૂનમ માડમ પણ માસ્ક વિના જોવા મળ્યા
- શું હવે સરકાર પૂનમ માડમને હાઇકોર્ટનાં આદેશ મુજબ 5-6 કલાક કોવિડ સેન્ટરમાં મોકલશે ?
WatchGujarat. શહેરનાં ઉદ્યોગપતિના પુત્રના રિસેપ્શનમાં ફરી એકવાર ભાજપનાં સાંસદ દ્વારા કોરોનાનાં નિયમોનો ઉલાળીયો કરાયો હોવાનું સામે આવ્યું છે. આ પ્રસંગે સુપ્રસિદ્ધ લોક ગાયક ગીતા રબારીનાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરબા લીધા હતા. અને સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત માસ્કનાં નિયમોનો પણ સરેઆમ ભંગ થતો જોવાયો હતો. એટલું જ નહીં, ભાજપનાં સાંસદ પૂનમ માડમ પણ માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. જેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું હવે સરકાર પૂનમ માડમને હાઇકોર્ટનાં આદેશ મુજબ 5-6 કલાક કોવિડ સેન્ટરમાં મોકલશે ? #દ્વારકા
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, સમર્થ ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ભીખુભાઈ ગોજીયાનો પુત્ર નિર્મલ હોલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યો હતો. જેની તસવીરો વાયરલ થઈ હતી. 1 ડિસેમ્બરે આ નિર્મલનાં લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. જેમાં સિંગર ગીતા રબારીનો ગરબાનો કાર્યક્રમ રખાયો હતો. જેમાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ થતો જોવા મળ્યો હતો. જેના વિડીયો તેમજ ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ પ્રસંગે ભાજપના સાંસદ પૂનમ માડમ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા. અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ રિસેપ્શનમાં કોરાનાની ગાઈડલાઈનનું પાલન થયું ન હતું. અને મોટાભાગના લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. કોરોના ગાઈડલાઈન્સ અંગે જાગૃતિ ફેલાવનારા કલાકાર ગીતા રબારીના કાર્યક્રમમાં જ કોરોનાની બધી ગાઈડલાઈનનો ભંગ થતા તેમની સામે પણ સવાલો ઉઠયા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દક્ષિણ ગુજરાતનાં તાપીમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં પણ હજારો લોકો એકઠા થયાનો વિડીયો સામે આવ્યો હતો. જે મામલે સરકારની ઘણી ટીકાઓ બાદ હાઇકોર્ટે પણ સવાલ ઉઠાવતા વિવાદ વધી ગયો હતો. બાદમાં કાંતિ ગામિતે જ પોતાની ભૂલ થયાનું સ્વીકારી માફી માંગી હતી. પરંતુ હાઈકોર્ટે આ મામલાને સુઓમોટો તરીકે લીધા બાદ તાપીના પોલીસ વડાએ આ ફરિયાદ નોંધવાનાં આદેશો આપ્યા હતા. અને કાંતિ ગામિત ઉપરાંત તેમના પુત્ર સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરવામાં આવી હતી.