• બંધ મકાનમાંથી દરવાજાનું ઇન્ટરલોક ખોલી અંદર પ્રવેશી રોકડ-સોનાના બિસ્કીટ, ચેઇન મળી રૂ. 7.34 લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ
  • ચોરી ખુદ તેની દિકરીએ પોતાના પૂર્વ લિવઈન પાર્ટનર પાસે કરાવ્યાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • જોબ પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરવા માટે પૈસાની જરૂર હોઇ રિયાંશીએ પોતાના જ ઘરમાંથી હાથફેરો કરવાનો પ્લાન ઘડ્યો

'આત્મનિર્ભર' બનવા છોકરીએ પૂર્વ લિવઈન પાર્ટનર સાથે મળી પોતાનાં જ ઘરમાં કરી ચોરી
WatchGujarat. શહેરનાં રેલનગરનાં રામેશ્વર પાર્કમાં રેલ્વેના લોકો પાઇલોટ છેલ્લા ચાર દિવસથી સપરિવાર દિલ્હી ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાંથી દરવાજાનું ઇન્ટરલોક ખોલી અંદર પ્રવેશી રોકડ-સોનાના બિસ્કીટ, ચેઇન મળી રૂ. 7.34 લાખની ચોરી થઈ હતી. ગઈકાલે પરત આવતા જ ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. અને સમગ્ર મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચ અને પ્ર.નગર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો છે. અને ચોરી ખુદ તેની દિકરીએ પોતાના પૂર્વ લિવઈન પાર્ટનર પાસે કરાવ્યાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે લીધો છે. બંનેએ જોબ પ્લેસમેન્ટની એજન્સી ખોલવા માટે ચોરી કાર્યની કબૂલાત પણ આપી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રામેશ્વર પાર્કમાં રહેતા ફ્રાન્સિસ લલિતસેન ક્રિશ્ચિયને પ્રદ્યુમન નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તા. 24 નવેમ્બરે તેઓ પત્નિ, દિકરો, દિકરી તેમજ ભાણેજની દિકરી સાથે રાજકોટથી દિલ્હી ગયા હતાં. રહેણાંકની ચાવી ભાણેજ નિલોફરને આપી ગયા હતા. ગઇકાલે તેઓ પરત આવ્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. જેમાં રૂ. 1.60 લાખની રોકડ તેમજ બે સોનાના બે બિસ્કિટ અને એક સોનાની ચેઈન સહિત રૂ. 7.34 લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

ફરિયાદને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પ્ર.નગર પીઆઇ સાથે રહી ઘટના સ્થળની વિઝીટ કરી હતી. દરવાજો કે લોક તૂટ્યા ન હોઇ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ થયાની દ્રઢ શંકા ઉદ્દભવી હતી. આથી ડીસીબીની ટીમે પ્ર.નગર પોલીસ સાથે સંકલનમાં રહી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ફરિયાદીની 22 વર્ષીય દિકરી રિયાંશી અગાઉ લિવ ઈનમાં યુનિવર્સિટી રોડ સરિતા વિહાર સોસાયટી ખાતે 28 વર્ષીય પાર્થ નવનીતભાઈ ભટ્ટ સાથે રહેતી હોવાની માહિતી પોલીસને મળી હતી.

આ માહિતીને આધારે પોલીસ સરિતા વિહાર સોસા. કવાર્ટર નં. 132માં રહેતાં પાર્થ નવનીતભાઇ ભટ્ટના ઘરે પહોંચી હતી. દરમિયાન પાર્થ પોતાનું જ્યુપીટર વાહન ચાલુ કરી બહાર નીકળતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ભાંગી પડ્યો હતો. અને રિયાંશી સાથે મળી ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરી કર્યાનું કબુલતાં પાર્થ અને રિયાંશીની ધરપકડ કરવામાં આવી છે. સાથે પાર્થના વાહનની ડિક્કીમાંથી રોકડ, સોનાના બિસ્કીટ અને ડુપ્લીકેટ ચાવી મળી આવતાં જ પોલીસે આ તમામ મુદ્દામાલ અને વાહન કબ્જે કર્યા છે.

પોલીસે વિશેષ પુછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે, પાર્થ વાહન લે-વેંચનો ધંધો કરે છે. ત્રણેક વર્ષ અગાઉ તે રેલનગર વિસ્તારમાં રહેતો હતો. ત્યારે રિયાંશી સાથે પ્રેમસંબંધ બંધાતા બંનેએ લિવઇન રિલેશનશીપ કરાર કર્યા હતાં. ત્રણેક મહિના બંને સાથે રહ્યા હતાં. પછી અલગ પડી ગયા હતાં. પાર્થ અલગ રહેવા જતો રહ્યો અને રિયાંશી માતા-પિતા સાથે રહેતી હતી.

જો કે બંનેનો પ્રેમ ફરીથી જાગૃત થયો હતો અને હવે પોતાની રીતે આત્મનિર્ભર થવાનું નક્કી કર્યુ હતું. બંનેને જોબ પ્લેસમેન્ટ એજન્સી શરૂ કરવા માટે પૈસાની જરૂર હોઇ રિયાંશીએ પોતાના જ ઘરમાંથી હાથફેરો કરવાનો પ્લાન ઘડ્યો હતો. બંને તકની રાહમાં હતાં ત્યાં 24મી નવેમ્બરે બધાને દિલ્હી જવાનું નક્કી થતાં એ દિવસે બપોરે રિયાંશીએ પાર્થને ફોન કરી ઘર નજીક બોલાવી ઘરની અસલી ચાવી આપી હતી. જેના પરથી પાર્થ નકલી ચાવી બનાવી ફટાફટ અસલી ચાવી પાછી આપી ગયો હતો.

બાદમાં રિયાંશી એ રાતે જ માતા-પિતા-પરિવારજનો સાથે દિલ્હી જવા રવાના થઇ ગઇ હતી. એના બીજા દિવસે બપોરે પાર્થ આવ્યો હતો અને ડૂપ્લીકેટ ચાવીથી ઇન્ટરલોક ખોલી ઘરમાં પ્રવેશી કબાટની વચ્ચેના ભાગે બનાવાયેલુ છુપ્પુ લોકર તોડી રોકડ, બે બિસ્કીટ, ચેઇન મળી રૂપિયા 7.34 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે બંનેને તમામ મુદ્દામાલ અને નકલી ચાવી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

More #Live-in Partner #આત્મનિર્ભર #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud