- સિંહો કોટડા સાંગાણી અને સરધાર નજીક આંટાફેરા કરતા હોવાના તેમજ આ વિસ્તારમાં મારણ કર્યાના વિડીયો પણ સામે આવ્યા હતા
- જેતપુર તાલુકાના આરબ-ટીંબળી ગામેં 10થી પણ વધુ સિંહના ટોળાએ ગૌશાળામાં ઘુસી જઈ 8 ગાયોનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું

WatchGujarat. જિલ્લામાં છેલ્લા 26 દિવસથી સિંહની એક ત્રિપુટીએ ધામા નાખ્યા છે. તાજેતરમાં જ આ સિંહો કોટડા સાંગાણી અને સરધાર નજીક આંટાફેરા કરતા હોવાના તેમજ આ વિસ્તારમાં મારણ કર્યાના વિડીયો પણ સામે આવ્યા હતા. ત્યારે આજે જેતપુર તાલુકાના આરબ-ટીંબળી ગામેં 10થી પણ વધુ સિંહના ટોળાએ ગૌશાળામાં ઘુસી જઈ 8 ગાયોનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત મોડીરાત્રે જેતપુર તાલુકાનાં આરબ ટીંબડી ગામમાં સિંહોનું ટોળુ ચડી આવ્યું હતું. અને ગૌશાળામાં ઘૂસી ગયું હતું. જ્યાં આ સિંહોએ 8 જેટલી ગાયો અને વાછરડાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને સિહોને ભગાડયા હતા. સિંહોનાં આ આતંક અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને સિંહોને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના સીમાડે આવી ચડેલા 3 સાવજોનું લોકેશન રેડિયો કોલરના આધારે ટ્રેસ કરાઈ રહ્યું છે. આ પૈકી એક નર સિંહના ગળે રેડિયો કોલર હોવાને કારણે તેમની ગતિવિધિની તમામ માહિતી વન વિભાગને મળી રહી છે. અને વન વિભાગની ત્રણ ટીમ છેલ્લા ઘણા દિવસથી રાત-દિવસ જંગલનાં રાજાની ત્રિપુટી પાછળ ફરી રહી છે. ત્યારે હવે 10થી વધારે સિંહો જોવા મળ્યાનું સામે આવતા વન વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. અને લોકોને જાગૃત કરવાનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.