• પત્નીની મિલકત માટે થઈ પિતરાઈ ભાઈ-ભાભી સહિત અન્ય ત્રણ સાથે મળીને પત્નીની હત્યા કરી
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો
  • મૃતક મહિલાનાં પતિ સહિત ચારને જેલનાં સળિયા પાછળ ધકેલાયા

સંપત્તિ માટે ષડયંત્ર : પત્નીની હત્યાને આપઘાત ગણાવતો પતિ ખૂની નીકળ્યો

WatchGujarat.  રાજકોટ શહેરમાં પતિએ પત્નીની મિલકત માટે થઈ પિતરાઈ ભાઈ-ભાભી સહિત અન્ય ત્રણ સાથે મળીને પત્નીની હત્યા કરી હતી. અને બાદમાં સમગ્ર ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે પોલીસે આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. અને મૃતક મહિલાનાં પતિ સહિત ચારને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે. #સંપત્તિ

પોલીસનાં જણાવ્યા મુજબ, ગત 30મી નવેમ્બરના રોજ માંડા ડુંગરની સુંદરમ પાર્ક સોસાયટીના એક મકાનમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ સ્થાનિકોએ કરી હતી. જેને પગલે આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં એક મહિલાની ગળાફાંસો ખાધેલ હાલતમાં લાશ મળી હતી. પરંતુ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતા શરૂઆતથી જ બનાવ હત્યાનો હોવાની આશંકા જાગી હતી.

જેને પગલે તાત્કાલિક પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી હતી. પીએમ રિપોર્ટમાં ડોક્ટરે મોતનું પ્રાથમિક કારણ ગળેટુંપો આપ્યાનું જણાવતાં આઇપીસી કલમ 302, 120(બી), 114 મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. અને મૃતક મહિલાનાં પતિ આનંદની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન અંતે આનંદ ભાંગી પડ્યો હતો અને સમગ્ર ઘટનાને પોતે જ પિતરાઈ ભાઈ સંજય ભાભી વર્ષાબેન અને ધવલ નામના શખ્સ સાથે મળીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.

ભારતીબેન તેના જુના પાડોશી પ્રવીણભાઈ મેણીયા સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા

આનંદનાં જણાવ્યા મુજબ તેના લગ્ન 15 વર્ષ અગાઉ ભારતીબેન સાથે થયા હતા. આ દરમિયાન સંતાનમાં ચાર દીકરીઓ છે. જે પૈકી એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની વચ્ચે ગૃહ કલેશના કારણે ભારતીબેન તેના જુના પાડોશી પ્રવીણભાઈ મેણીયા સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા હતા. દરમિયાન અવારનવાર તે પોતાની માલિકીના સુંદરમ પાર્ક ખાતેના મકાનમાં રહેવા માટે જતા હતા.

દિવ ફરવા ગયા દરમિયાન હત્યાનું કાવતરૂ રચવામાં આવ્યું

ભારતીબેનના નામે રહેલ સુંદરમ પાર્ક ખાતે આવેલા મકાનો તથા અન્ય મિલકત મેળવવા માટે જ હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ હત્યાના કાવતરામાં ખુદ ભારતીબેનનો પતિ આનંદ સાકરીયા તેનો પિતરાઇ ભાઇ સંજય તેમજ પિતરાઈ ભાઈ સંજયની પત્ની વર્ષા પણ સામેલ હતી. ભારતીએ થોડા સમય પહેલા આનંદે છૂટાછેડા માટે મંગેલા 7 લાખ રૂપિયા પણ આપ્યા હતા. આ રૂપિયા મળતા જ એ પતિ આનંદ પોતાની પુત્રીઓ, પિતરાઈ ભાઈ સંજય, ભાભી વર્ષા સાથે દીવ ફરવા ગયા હતા. જ્યાં આનંદ, સંજય અને વર્ષાએ ભારતીનાં નામે રહેલ મકાનો મેળવવા માટે તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.

 કામ થઇ ગયાની જાણ કરાયા બાદ તમામ ફરી ફરવા ગયા

કાવતરાને અંજામ આપવા સંજય તેની પત્ની તેમજ મુખ્ય આરોપીની 16 વર્ષની દીકરીને લઈ રાજકોટ પરત ફર્યા હતાં. ત્યારે 25 તારીખના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ પૂર્વ આયોજિત રીતે આવી પહોંચેલા સંજયે આરોપી ધવલ મુકેશભાઈ પરમાર સાથે મળી મૃતકના ઘરે પહોંચી તેણીને ગળાફાંસો આપી તેની હત્યા કરી હતી. બાદમાં તેની લાશને લટકાવી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ હત્યાનું કાવતરૂં રચનાર મુખ્ય આરોપી આનંદ સાકરીયાને કામ થઈ ગયાની જાણ કરી હતી અને ત્યારબાદ તેઓ બધા દીવ પરત ફરી ગયા હતા.

ત્રણેય મકાનો પ્રેમી પ્રવીણ હડપ કરી જશે તેવી શંકાથી હત્યા કરી

આનંદે વધુમાં જણાવ્યું હતું કે, પોતે 14 વર્ષની ઉંમરે મુંબઇથી રાજકોટ મામા સાથે રહેવા લાગ્યો હતો. તેના પિતાના અવસાન બાદ રાજકોટમાં ભારતી સાથે લગ્ન કર્યા હતા. પાંચ વર્ષ પહેલા માતાનું પણ અવસાન થતાં તેમના લોકરમાંથી 32 લાખ રોકડા તેમજ 35 તોલાનાં ઘરેણા મળ્યા હતા. જેમાંથી ભારતીએ બે મકાન લીધા હતા. અને અગાઉ એક મકાન માતાએ લઈ આપ્યું હતું. આ ત્રણેય મકાનો ભારનો પ્રેમી પ્રવીણ હડપ કરી જશે તેવી શંકાથી પોતે હત્યા નીપજાવી હતી. દીવથી પરત ફર્યા બાદ પોતે ભારતીની લાશ સગેવગે કરવા માટે માંડા ડુંગર પાસે આટાફેરા માર્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી ન હોવાથી બનાવને અપઘાતમાં ખપાવવાનો જ પ્રયાસ કર્યો હોવાનું પણ આનંદે સ્વીકાર્યું હતું.

More #સંપત્તિ #Property Issue #Murder #Husband #Wife #Rajkot News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud