મોરબી. ગુજરાતની આંઠ બેઠકો પર પેટા ચૂંટણીને લઈ મતદાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં અનોખી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત 5 મહિલા સખી બુથ બનાવવામાં આવ્યા છે. જેને ‘શક્તિ બુથ’નું નામ આપવામાં આવ્યું છે. આ બુથની ખાસિયત એ છે કે, અહીં પટ્ટાવાળાથી લઈને ઓફિસર સુધીનો બધો જ સ્ટાફ મહિલાઓનો છે. આ બુથોનું તમામ સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.

માળિયા બેઠક પર 20 જેટલા EVM ખોટકાયા

તમામ 8 બેઠકો સહિત મોરબીમાં પણ સવારે 7 વાગ્યે મતદાનનો પ્રારંભ થયો હતો. જો કે શરૂઆતમાં જ માળિયા બેઠક પર 20 જેટલા EVM ખોટવાયાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે મતદાન અડધો કલાક માટે અટકી ગયું હતું. જોકે બાદમાં તંત્ર દ્વારા તાત્કાલિક તમામ EVM બદલવાની કામગીરી કરવામાં આવતા ફરીથી શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ થયો હતો. તો કોરોનાની ગાઈડલાઇનનાં પાલન માટે તમામ બુથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારોએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મોરબીમાં ભાજપનાં ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પત્ની સાથે ચમનપરમાં હનુમાનજીનાં દર્શન કરી મતદાન કર્યું હતું. અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજીતરફ સાંસદ મોહન કુંડરિયાએ તો સાંજ સુધીમાં ભાજપની જીત નિશ્ચિત થવાનો દાવો કર્યો છે. સાથે જ 10 હજારથી વધુ મતોની સરસાઈ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બીજીતરફ કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિ પટેલે પત્ની અને સંતાનો સાથે બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. અને પક્ષપલટુની હાર તેમજ પોતાની જીત થવાનો પણ દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી વચ્ચે પણ લોકોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સવારે 11 સુધીમાં જ મોરબીમાં 21.62 ટકા મતદાન નોંધાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud