રાજકોટ : શહેરનાં અયોધ્યા ચોક નજીકની સીનર્જી હોસ્પિટલ સામેનાં રાજભોગ રેસ્ટોરન્ટમાં ગત રવિવારે મોડી રાતે જમવાના મુદ્દે કેટલાક શખ્સોએ હથિયારો સાથે ધમાલ મચાવી તોડફોડ કરી હતી. બનાવ અંગે રેસ્ટોરન્ટ સંચાલક પ્રદીપભાઇ ઓડેદરાએ ગાંધીગ્રામ પોલીસમાં સંજય કાઠી સહિતનાં શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. અને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કર્યા હતા. જેને આધારે પોલીસે આ આરોપીઓની ઓળખ મેળવી બે પોલીસપુત્રો સહિત ચારને ઝડપી પાડ્યા છે.

પોલીસે જામનગર રોડનાં પરાશરપાર્કમાં રહેતા પોલીસ પુત્ર સંજય જીલુભાઇ બસિયા, તેનો ભાઇ પૃથ્વીરાજ ઉપરાંત પાર્થ ઉર્ફે બાવ ખાચર અને દિવ્યરાજસિંહ સહદેવસિંહ જાડેજાને ઝડપી લઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. અને સીસીટીવી ફૂટેજ તપાસતી વેળાએ રેસ્ટોરન્ટ સંચાલક પ્રદીપભાઇ પણ તલવાર સાથે જોવા મળતા પોલીસે તેની સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જો કે તેમણે ફરિયાદમાં પણ સ્વબચાવ માટે હથિયાર ઉઠાવ્યાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જાણો શું હતો સમગ્ર મામલો

અયોધ્યા ચોકમાં આવેલ રાજભોગ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે દોઢ વાગ્યે 10 જેટલા શખ્સો જમવા પહોંચ્યા હતા. પરંતુ રેસ્ટોરન્ટ બંધ થઇ ગયું હોવાથી સંચાલકે ના પાડી હતી. જેને લઈને થોડીવાર બાદમાં સંજય કાઠી સહીત 10 જેટલા શખ્સો ધસી આવ્યા હતા. તેમજ ધોકા-પાઇપ અને છરી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે રેસ્ટોરન્ટ ઉપર પથ્થરમારો કર્યો હતો.

જેમાં સંચાલકને ઇજા થતા હોસ્પિટલે ખસેડાયો હતો. પથ્થરમારો થતા ટેબલ, ખુરશી – ફ્રીઝમાં પણ નુકશાન થયું હતું. સ્વબચાવ માટે સંચાલક અને કર્મચારીઓએ વળતો પ્રહાર પણ કર્યો હતો. સમગ્ર મામલે રાજભોગ રેસ્ટોરન્ટનાં માલિક પ્રદીપભાઈ કાનાભાઈ ઓડેદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાથી તેના ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !