રાજકોટ. ગોંડલની ગુંડાળા ચોકડી પાસે આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહનની હડફેટે કારનો કડુસલો બોલી ગયો હતો. અને તેમાં સવાર પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને 108 નો કાફલો દોડી ગયો હતો. અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રથમ નોરતું હોઇ મૃતકો પૂજા કરવા જતાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આજરોજ આસો નવરાત્રિનું પ્રથમ નોરતું છે. ત્યારે જે કારનો અકસ્માત થયો છે તે કારમાંથી ફુલહાર સહિત પૂજાની સામગ્રી મળી આવી હતી. જે પરથી સ્પષ્ટ થતું હતું કે, મૃતકો કોઈ દેવસ્થાને પૂજન વિધિ કરવા માટે જતા હતા.અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ આ મૃતકોની ઓળખ મેળવવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી મુજબ કારમાં સવાર પિતા-પુત્ર ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના બ્રાહ્મણ હોવાનું સામે આવ્યું છે. તેમની ઓળખ 55 વર્ષીય રાજભાઈ કાંતિભાઈ ઠાકર અને 28 વર્ષીય કશ્યપ રાજભાઈ ઠાકર તરીકે થઈ છે. હાલ પોલીસે મૃતકોનાં પરિવારને ઘટના અંગે જાણ કરવાની તજવીજ શરૂ કરી છે. જો કે પ્રથમ નોરતે પિતા-પુત્રના મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !