• આરોગ્યનું ચેકીંગ કરતા ધન્વંતરી રથ, સંજીવની રથ તેમજ કોરોના ટેસ્ટિંગ વાન વાહન ચાલકોને પગાર ન ચુકવાતા હડતાલ
  • નાનામવા ચોકડી ખાતે પેટ્રોલ પમ્પ પાસે આવેલા મહાપાલિકાના પ્લોટમાં જ વાહનો સાથે એકત્રિત કરાયા
  • મનપા અધિકારીઓનાં જણાવ્યા મુજબ, વાહનો ભાડે મેળવેલા હોવાથી આ મુદ્દો એજન્સી અને તેના વાહન ચાલકો વચ્ચેનો છે

રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધતું જાય છે. જેને અટકાવવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા ઘેર બેઠા જ લોકોનાં આરોગ્યનું ચેકીંગ કરવા ધન્વંતરી રથ, સંજીવની રથ તેમજ કોરોના ટેસ્ટિંગ વાન સહિત ખાસ વાહનો દોડાવાઈ રહ્યા છે. પરંતુ આ વાહન ચાલકોને સમયસર પગાર ન ચૂકવાતા અચાનક તમામ હડતાળ પર ઉતરી ગયા હતા. અને શહેરમાં તમામ આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ હતી. જો કે બાદમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ સમયસર પગાર નહીં મળતા હડતાળ પર ઉતર્યા હતા. અને નાનામવા ચોકડી ખાતે પેટ્રોલ પમ્પ પાસે આવેલા મહાપાલિકાના પ્લોટમાં જ વાહનો સાથે એકત્રિત થયા હતા. ધનવંતરી રથ, સંજીવની રથ અને કોરોના ટેસ્ટિંગ વાન ચલાવતા કર્મચારીઓની હડતાળને પગલે શહેરમાં અપાતી આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મનપા અધિકારીઓનાં જણાવ્યા મુજબ, વાહનો ભાડે મેળવેલા હોવાથી આ મુદ્દો એજન્સી અને તેના વાહન ચાલકો વચ્ચેનો છે. છતાં તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે તાત્કાલિક ઘટતું કરવા આદેશો આપ્યા હતા. જેને પગલે ગણતરીની કલાકોમાં બંને પક્ષો સાથે ચર્ચા કરીને વાહન ચાલકોને આવતીકાલે ચેક દ્વારા બાકી નિકળતી રકમ ચુકવવાની ખાતરી આપવામાં આવી છે. અને હડતાળ પણ સમેટી લેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud