• ઘરની ઓરડી નજીક પંચર સાધવાની કેબીન ચલાવતા 27 વર્ષિય યુવાનની લાશ મળતા ચકચાર
  • સવારે માસુમ દિકરી પંચરની કેબીન પાસે આવી ત્યારે પિતાને લોહીલુહાણ જોતાં દેકારો મચાવી મુકયો
  • મૃતકનાં માથામાં કોઇ બોથડ પદાર્થના ઘા ફટકારાયા હોય તેવી ઇજાનાં નિશાન જોવા મળ્યા

રાજકોટ. કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં રહેતાં મુળ બિહારના 27 વર્ષીય યુવાન મોહંમદ જશીમ શાહની લાશ મળી આવતા ચકચાર મચી છે. મોહંમદ પોતાની ઓરડી નજીક જ એક પંચર સાંધવાની કેબીન ચલાવતો હતો. અને રાત્રે કેબીન પાસે ખાટલો ઢાળીને સૂતો હતો. દરમિયાન વહેલી સવારે તેને લોહીલુહાણ હાલતમાં જોઈને તેની પુત્રીએ દેકારો મચાવ્યો હતો. મૃતકનાં માથાનાં ભાગે ત્રણ જેટલા ‘ઘા’ મરાયા હોવાનું જણાતા પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોહંમદની પંચરની કેબીન પાસે જ તેની લાશ લોહીલુહાણ પડી હતી. સવારે તેની માસુમ દિકરી પંચરની કેબીન પાસે આવી ત્યારે પિતાને લોહીલુહાણ જોતાં દેકારો મચાવી મુકયો હતો. જેના કારણે સ્થાનિકોએ જાણ કરતા જ પોલીસ અને 108 પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં ડીસીપી સહિતના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. અને એફએસએલનાં અધિકારીને પણ સ્થળ પર બોલાવાયા હતાં.

મૃતકનાં માથામાં કોઇ બોથડ પદાર્થના ઘા ફટકારાયા હોય તેવી ઇજાનાં નિશાન જોવા મળ્યા હતાં. જો કે પરિવારનાં જણાવ્યા મુજબ મૃતકને કોઇ સાથે માથાકુટ નહોતી. ત્યારે આ ઇજા કોઇ વાહનની ઠોકરે થઈ છે કે કેમ ? એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને બે બહેનોમાં ત્રીજો હતો. અને આઠેક વર્ષ પહેલા બિહારથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેની પત્નિનું નામ રોઝીનાખાતુન છે. અને સંતાનમાં એક પુત્રી ગુડીયા (ઉ.વ.4) તથા પુત્ર ભોલુ (ઉ.8) છે. હાલ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud