• માત્ર 2.5 વર્ષની નાની ઉંમરે રોહન ઠાકરે પેઈન્ટિંગ કરવાની શરૂઆત કરી
  • અંધજનોને પ્રેરણા મળે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી તેણે આંખે પાટા બાંધીને પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું – રોહન ઠાકર

WatchGujarat. કલાકારની કોઈ ઉંમર નથી હોતી. અને ગમે તેટલી નાની ઉંમરમાં પણ કલાકાર એટલું મોટું કામ કરી શકે છે જે જોઈને ભલભલા અનુભવીઓ પણ સ્તબ્ધ રહી જાય છે. આવી જ સિદ્ધિ માણાવદરનાં 18 વર્ષીય યુવક રોહન ઠાકરે હાંસિલ કરી છે. માત્ર 2.5 વર્ષની નાની ઉંમરે પેઈન્ટિંગ કરવાનું શરૂ કરનાર રોહને એક જ ફ્રેમમાં વડાપ્રધાન મોદીનાં 51 પોર્ટરેટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. એટલું જ નહીં રોહન આંખે પાટા બાંધીને પણ માત્ર 11 મિનિટમાં હનુમાનજીનું ચિત્ર બનાવી શકે છે.

પોતાની સિદ્ધિઓ અંગે જણાવતા રોહને કહ્યું હતું કે, તેની ઉંમર 18 વર્ષની છે. અને પોતે છેલ્લા 15 વર્ષથી પેઈન્ટિંગ બનાવી રહ્યો છે. એટલે કે માત્ર 2.5 વર્ષની નાની ઉંમરે તેણે પેઈન્ટિંગ કરવાની શરૂઆત કરી હતી. પોતાની 15 વર્ષની કારકિર્દી દરમિયાન 11 વાર રાષ્ટ્રીય અને 5 વખત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ તેને મળી ચુક્યા છે. તાજેતરમાં અયોધ્યા ખાતે યોજાયેલી એક પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ તેણે આંખે પાટા બાંધીને માત્ર 11 મિનિટમાં હનુમાનજીનું આબેહૂબ ચિત્ર તૈયાર કરી ત્યાં હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

તાજેતરમાં રોહને એક ફેમની અંદર સૌથી વધુ પોર્ટરેટ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. જેમાં એક ફ્રેમની અંદર ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 51 પોર્ટરેટ બનાવ્યા છે. અને આ માટે તેને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. અયોધ્યાની મુલાકાત દરમિયાન રોહને પદ્મશ્રી યોગેન્દ્ર સંસ્કાર માસ્તી, ઉત્તરપ્રદેશનાં ભાજપ અધ્યક્ષ હરીશ કુમાર વારતવ, આંતરરાષ્ટ્રીય કલાકાર પ્રમોદ કેબબ જેવા મહાનુભાવો સાથે મુલાકાત કરીને શ્રી રામ જન્મ ભૂમિનાં દર્શનનો લાભ લીધો હતો.

વધુમાં રોહને કહ્યું હતું કે, અંધજનોને પ્રેરણા મળે તે માટે છેલ્લા કેટલાક વર્ષોથી તેણે આંખે પાટા બાંધીને પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું છે. અને પોતે ગણતરીની મિનિટોમાં જ ભગવાન શિવ અને હનુમાનજી સહિતનાં દેવી-દેવતાઓનું આબેહૂબ પેઇન્ટિંગ બનાવતો થયો છે. આગામી સમયમાં પણ પેઇન્ટિંગનાં ક્ષેત્રે પોતાની સાથે સોરઠ પંથક અને ભારત દેશનું નામ દુનિયામાં રોશન કરવાનું પોતાનું સ્વપ્ન હોવાનું પણ રોહને જણાવ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud