• જામનગર રોડ પર આઇઓસીના ડેપો નજીકથી હત્યા કરાયેલી પ્રૌઢની લાશ મળી હતી
  • પોલીસ તપાસમાં સંગીતાને તેના પતિ સાગરભાઇના મિત્ર સંજયભાઈ ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી પાસ્વાન સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી મળી
  • પોલીસે સંજયની અટકાયત કરી આગવી ઢબે પુછપરછ કરતા ગુનાની હકીકત સામે આવી
  • ઘટનાને અંજામ આપ્યા બાદ સંજયે તેની પ્રેમિકાને કહ્યું હતું કે, ‘તારા પતિને કામે લગાડી દીધો છે’
મૃતક સાગરભાઇ જમનાદાસ રાઠોડ

WatchGujarat. ગત તારીખ 4ની બપોરના આઇઓસી ડેપો નજીકથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા પ્રૌઢની લાશ મળી હતી. જેને લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાનું ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં મૃતકની યુવાન પત્ની સાથે પ્રેમસંબંધ હોઈ મિત્રએ જ દારૂ પીવડાવી કાસળ કાઢ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી મિત્રને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સંજયભાઈ ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી પાસ્વાન

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરનાં જામનગર રોડ પર આઇઓસીના ડેપો નજીકથી હત્યા કરાયેલી પ્રૌઢની લાશ મળી હતી. મૃતક માધાપર નજીક રહેતા અને દરજી કામ કરતાં 55 વર્ષીય સાગરભાઇ જમનાદાસ રાઠોડ હોવાનું તપાસ દરમિયાન સ્પષ્ટ થયું હતું. મૃતક સાગરભાઇની પત્ની સંગીતા મહારાષ્ટ્રના ધુલિયાની વતની હોવાનું અને તેની ઉંમર 35 જ વર્ષની હોવાનું જાણવા મળતા પોલીસે સાગરભાઇ અને તેની પત્નીના સંબંધો પર તપાસ કેન્દ્રિત કરતાં સંગીતાને તેના પતિ સાગરભાઇના મિત્ર સંજયભાઈ ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી પાસ્વાન સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી.

આ હકીકત સામે આવતાની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે  મંગળવારે સંજય ઉર્ફે બિહારીને ઉઠાવી લીધો હતો. અને આગવી ઢબે પૂછપરછ કરતા જ સંજયે કેફિયત આપી હતી કે, સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં સાગરભાઇ આડખીલીરૂપ બનતા હતા. પોતાને સાગરભાઈ સાથે વર્ષોથી મિત્રતા હોઈ વારંવાર ઘરે જતો હતો. દરમિયાન ગત ત્રીજી મેના રોજ તેણે સાગરભાઈને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો. બાદમાં નશાની હાલતમાં તેને આઇઓસી ડેપો પાસે લઇ જઇ ત્યાં માથા, નાક અને ગુપ્તભાગ પર પથ્થર મારી કાસળ કાઢી નાખ્યું હતું.

ઘટનાને અંજામ આપ્યા બાદ સંજયે તેની પ્રેમિકાને કહ્યું હતું કે, ‘તારા પતિને કામે લગાડી દીધો છે’, જોકે પ્રેમીની આ વાતથી તેણે હત્યા કર્યા અંગે ખ્યાલ નહીં હોવાનું રટણ હાલ સંગીતા પોલીસ સમક્ષ કરી રહી છે. ત્યારે ખરેખર હત્યામાં તેની સંડોવણી છે કે નહીં? તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. અને આરોપી સંજય ઉર્ફે બિહારી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud