• ગુરૂવારે બપોરે માલપુરના બજારમાં આવેલા વીજ થાંભલામાં કબૂતર ફસાઈ ગયું હતું
  • દિલીપ નામનો યુવક તાર પર ફસાયેલા કબુતરને બચાવવા થાંભલા પર ચઢ્યો
  • દંડો વિજ તારમાં અડી જતા યુવકને કરંટ લાગ્યો અને નીચે પટકાયો
  • સમગ્ર મામલો રાહદારીએ પોતાના કેમેરામાં રેકોર્ડ કરતા મામલો સામે આવ્યો

Watchgujarat. અરવલ્લીના માલપુર ગામના બજારમાં આજે બપોરના સમયે વીજળીના થાંભલામાં ફસાઈ તરફડિયાં મારતા કબૂતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાન વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરૂવારે બપોરે માલપુરના બજારમાં આવેલા વીજ થાંભલામાં કબૂતર ફસાઈ ગયું હતું. લોકોની અવરજવર થઈ રહી હતી. અને ઘણા લોકો થાંભલામાં ફસાયેલા કબૂતરને જોઈ રહ્યા હતા. ત્યારે દિલીપ નામનો યુવક પણ બજારમાં આવ્યો હતો. એ વખતે તેણે વીજ થાંભલામાં ફસાઈને બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને જોયું.

તરફડિયાં મારતા કબૂતરને બચાવવા માટે તેણે થાંભલા પર ચડવાનું નક્કી કરી લીધું. અને કબૂતરને કાઢવા માટે લાંબી લાકડી ન મળતાં દિલીપ ભાઈએ લોખંડની પાઈપ આગળ લાકડાનો ડંડો બાંધી દીધો હતો. અને થાંભલા પર ચડવાની શરૂઆત કરી હતી. દરમિયાન દિલીપ સામે બજારમાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ દિલીપની દરેક ગતિવિધિનો વીડિયો રસ્તે પસાર થતી એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો.

દિલીપ વીજ થાંભલા પર ચડીને ડંડા વડે વીજતારમાંથી બચવા માટે તરફડિયાં મારતા કબૂતરને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ દરમિયાન ડંડો તારને અડી ગયો અને અચાનક જ ધડાકાભેર સ્પાર્ક સાથે વીજળીનો ઝાટકો દિલીપને લાગ્યો હતો જેને કારણે દિલીપ છેક ઊંચાઈ પરથી જમીન નીચે પટકાયા હતા. પટકાતા તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું. ઘડી ભરમાં થાંભલા પર ચડેલા દિલીપ જમીન પર પટકાતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા. તેને સારવાર અર્થે ખસેડાય એ પહેલા જ તેનું કરુણ મોત થતાં શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડયું હતું.

પ્રાથમિક વિગતો પ્રમાણે, અરવલ્લી જિલ્લાના માલપુર ગામે રહેતા આશરે 35 વર્ષીય દિલીપ વાઘેલાના પરિવારમાં પત્ની રેખાબેન તેમજ બે સંતાનો છે. દિલીપ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud