• રાજકોટના મોદી સ્કૂલના વાલી સુશીલભાઇ મણવરને ગત 21 મેના રોજ સ્કૂલ તરફથી નોટીસ પાઠવવામાં આવી
  • સ્કૂલવાળા જે કહે તે તમારે માન્ય રાખવાનું. તમારે તમારો હક્ક માંગવાનો નહીં, તમે કહો ત્યારે પૈસા ભરી દેવાના, અમે કહીએ ત્યારે સ્કૂલ ચાલુ થશે
  • નોટિસ મેળવનાર સુશીલભાઇનાં જણાવ્યા મુજબ મારી દીકરી મોદી સ્કૂલમાં ધો. 7 ગુજરાતી મીડિયમમાં ભણે છે

WatchGujarat. શહેરની મોદી સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સ્કૂલ દ્વારા એક વાલીને 20 પેઈજની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં વાલી આંદોલન કરીને સ્કૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ 7 દિવસમાં આ નોટિસનો જવાબ આપવા જણાવાયું છે. અને જવાબ નહીં આપે તો દીકરીને સ્કૂલમાંથી એડમિશન રદ કરી કાઢી મૂકવાની ચિમકી ઉચ્ચારવામા આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, અંબિકા ટાઉનશીપમાં આવેલી મોદી સ્કૂલના વાલી સુશીલભાઇ મણવરને ગત 21 મેના રોજ સ્કૂલ તરફથી નોટીસ પાઠવવામાં આવી છે. જેમાં તેઓ અન્ય વાલીઓ સાથે મળી સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી સ્કૂલ વિરુદ્ધ ઉશ્કેરણીજનક મેસેજ મૂકી માનહાનિ ભર્યા મેસેજ પણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. અગાઉ શાળા વિરુદ્ધ આંદોલન કરી શાળા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. તેમજ ધોરણ 7નો અભ્યાસ પૂર્ણ કરી દીકરીની 8,483 રૂપિયા ફી પણ બાકી હોવાનું જણાવી સ્કૂલની છબિ ખરડાય તેવું વર્તન કર્યું હોવાનું જણાવ્યું છે. અને આ મુદ્દે માટે 7 દિવસમાં જવાબ નહીં આપો અને શાળા સામે વર્તન નહીં સુધારો તો તમારી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ કાઢી નાખીશું તેવી ચિમકી આપવામાં આવી છે.

આ નોટિસ મેળવનાર સુશીલભાઇનાં જણાવ્યા મુજબ મારી દીકરી મોદી સ્કૂલમાં ધો. 7 ગુજરાતી મીડિયમમાં ભણે છે. ગત વર્ષે અમે ફી માફીના આંદોલન ચાલુ કર્યા હતા. હવે સ્કૂલવાળા શો કોઝ નોટિસ ફટકારી એવું દબાણ કરે છે કે, જે વાલીઓ તમે વિરોધ કરો છો એ બધા નીકળી જાવ. સ્કૂલવાળા જે કહે તે તમારે માન્ય રાખવાનું. તમારે તમારો હક્ક માંગવાનો નહીં, તમે કહો ત્યારે પૈસા ભરી દેવાના, અમે કહીએ ત્યારે સ્કૂલ ચાલુ થશે, અમે કહીએ ત્યારે સ્કૂલ બંધ થશે. સામે અવાજ ઉઠાવવા બદલ શાળા તરફથી આ નોટિસ ફટકારવામાં આવી છે. શું વાલીને પોતાનો અવાજ ઉઠાવવાનો હક્ક નથી? મને ભલે આ નોટિસ મળી પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ આવી શાળાઓ સામે કડક પગલાં લઇને કાર્યવાહી કરવી જોઈએ.

વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીને લઈને ઘણા વાલીઓને પોતાનું ગુજરાન પણ ચલાવવું મુશ્કેલ બન્યું છે. પણ સ્કૂલવાળાને કોરોનાની હાલની પરિસ્થિતિ સાથે કંઇ લેવા દેવા નથી. શો કોઝ નોટિસ પણ અંગ્રેજીમાં આપી છે. આ વર્ષ ચાલુ થયું નથી ત્યાં જ ફી માગવા મંડ્યા છે. મારી બધા વાલીઓને વિનંતી છે કે, આવી લાલચુ શાળાઓ કે જે પૈસા માટે શિક્ષણ આપે છે. તેનો વિરોધ કરવા આગળ આવે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ આવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

બીજીતરફ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આ રીતે બળજબરીથી ફી ઉઘરાવવી જરા પણ યોગ્ય નથી. વ્યક્તિગત કોઈ વાલી માટેનો પ્રશ્ન હોય તો શાળા તેને લખી શકે છે. પરંતુ જો બધા વાલીઓને આવી નોટિસ અપાઈ હોય તો સાવ ખોટું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઘણા કિસ્સાઓ એવા પણ સામે આવ્યા છે, જેમાં વાલીઓએ બે-ત્રણ વર્ષથી ફી ભરી નથી. અને બાદમાં સ્કૂલનાં વિરોધમાં દેખાવો કરી રહ્યા છે. ત્યારે વાલીનાં પક્ષે તે પણ યોગ્ય નથી. સરકારી નિયમ અનુસાર સૌએ 25% રાહત સાથે ફી ભરવી જોઈએ. હાલ જે નોટિસ અંગે વાત છે તેની કોઈ ફરિયાદ હજુ મળી નથી. 20 પેઈજની શો-કોઝ નોટિસ અપાઈ હોય તો કોઈ લીગલ ઇશ્યુ હશે. છતાં અમને ફરિયાદ મળ્યા બાદ જ તપાસ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud