• રાજકોટની બી.ડિવિઝ પોલીસે સાત મહિના પૂર્વે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો
  • ઘરની બહાર એક્ટિવામાં ઊભેલી સુધાએ સ્વિફ્ટ કાર જોતા જ કાર પોલીસની હોવાનું સમજી ગઈ
  • પોલીસ તેના સુધી પહોંચે તે પહેલાં સુધાએ એક્ટીવા શેરી-ગલીઓમાં ભગાવી મૂક્યું
  • સુધા અગાઉ મારામારી અને જુગારના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

WatchGujarat. એસઓજી પોલીસે નામચીન ડ્રગ્સ પેડલર મહિલા સુધાને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી લીધી છે. એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં સાત મહિનાથી ફરાર આ મહિલાને પકડવા ગયેલી પોલીસની ખાનગી કાર ઓળખી જતાં જ તેણી પોતાનું એક્ટિવા પુરપાટ ઝડપે હંકારી શેરી-ગલીમાં ભાગી ગઇ હતી. જોકે બે મહિલા કોન્સ્ટેબલે કારમાંથી ઉતરી એક એક્ટિવા લઈ જતા સ્થાનિકને રોકીને તેનું એક્ટિવા લઇ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો. દરમિયાન સુધા એક બંધ શેરીમાં ઘૂસી જતા પોલીસનાં હાથે ઝડપાઈ હતી. ચોર-પોલીસ જેવી ઘટના લઈને ગવલીવડ વિસ્તારમાં ભાગમભાગનાં દ્રશ્યો સર્જાયા હતા.

જાણવા મળી રહેલી વિગતો મુજબ બી.ડિવિઝ પોલીસે સાત મહિના પૂર્વે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. તેમાં પેડલર(સપ્લાયર) તરીકે રૈયાધાર ખાતે સ્લમ ક્વાટર્સમાં રહેતી 39 વર્ષીય સુધા સુનિલ ધામેલિયાનું નામ ખુલ્યું હતું. પોલીસ ચોપડે નામ ચડતાં જ સુધા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. દરમિયાન ગતરોજ સાંજે ફરાર સુધા ગવલીવાડમાં તેની પૌત્રીને મળવા આવ્યાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ અન્સારી, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા અને બે મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળિયા અને શાંતુબેન મુળિયા સ્વિફ્ટ કારમાં ગવલીવાડ પહોંચ્યા હતા. જોકે ઘરની બહાર એક્ટિવામાં ઊભેલી સુધાએ સ્વિફ્ટ કાર જોતા જ કાર પોલીસની હોવાનું સમજી ગઈ હતી.

પોલીસ તેના સુધી પહોંચે તે પહેલાં સુધાએ એક્ટીવા શેરી-ગલીઓમાં ભગાવી મૂક્યું હતું. અને પીએસઆઇ અંસારીએ બે શેરી સુધી કાર દ્વારા એક્ટિવાનો પીછો કર્યો હતો. પરંતુ સાંકડી શેરીમાં કાર લઇ જવાનું મુશ્કેલ બનતા પોલીસ એક તબક્કે ઊભી રહી ગઇ હતી. આ સમયે પળનો વિલંબ કર્યા વગર બંને મહિલા કોન્સ્ટેબલ કારમાંથી ઉતરી ગયા હતા. તેમજ નજીકમાં રહેતા એક વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી તેનું એક્ટીવા લઇ સુધાનો પીછો કર્યો હતો.

આ દરમિયાન સુધા શેરી-ગલ્લીઓ બદલાવીને ભાગી રહી હતી. અને પાછળ બંને મહિલા કોન્સ્ટેબલ ફિલ્મી ઢબે પીછો કરી રહી હતી. જેને લઈને ગાવલીવાડ ખાતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અંતે આરોપી સુધા બંધ શેરીમાં પહોંચી હતી. અને ત્યાંથી ભાગવું તેના માટે શક્ય નહીં હોવાથી તે ઉભી રહી ગઇ હતી. જેને લઈ કોન્સ્ટેબલ સોનાબેન અને શાંતુંબેને તેને પકડી લીધી હતી. અને પીએસઆઇ અંસારી સહિતની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ હતી. સુધા અગાઉ મારામારી અને જુગારના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud