• નર્મદા જિલ્લામાં તમામ માઇ મંદિરો, હરસિદ્ધિ માતા મંદિર, પંચકોશી નર્મદા પરિક્રમા, કાલિકા મંદિર મેળો બધું જ બંધ પણ SOU પ્રવાસીઓને આવકારવા ખુલ્લું
  • શુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ કોરોના પ્રુફ છે, આખો જિલ્લો બંધ તો SOU કેમ ખુલ્લું
  • RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપવો જોઈએ એવી માંગ
  • કોરોના સંક્રમણની ચેઇન તોડવા સમગ્ર નર્મદા જિલ્લાએ તા. 13 થી 15 એપ્રિલ સ્વંયભુ બંધ જાહેર કર્યું છે

WatchGujarat. એક તરફ નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની ચેન તોડવા 13 થી 15 એપ્રિલ દરમીયાન આખો નર્મદા જિલ્લો સ્વયંભુ બંધ રહેશે. તો બીજી બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રખાયું હશે એ પ્રશ્ન ઊઠી રહ્યા છે. SOU પર આવતા પ્રવાસીઓને લીધે જો ભવિષ્યમાં જિલ્લામાં કોરોના સંક્રમણ વધે તો જવાબદાર કોણ એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

Statue of Unity

નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને ડેડીયાપાડા, સાગબારા, સેલંબાના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજપીપળા શહેર, કેવડિયા, તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર ગામોના બજારો પણ આગામી 3-4 દિવસ સુધી સંપૂર્ણ બંધ રાખવાની વેપારીઓએ જાહેરાત કરી છે. આખા ગુજરાતમાં નર્મદા પ્રથમ એવો જિલ્લો હશે જે 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન સ્વયંભૂ બંધ રહેશે.

આ દિવસો દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ રાજપીપળામાં આવશે તો એમનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. હવે અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જ્યારે 3 દિવસ આખો જિલ્લો જ બંધ રહેશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું રાખવામાં આવ્યું હશે. જેનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ નેગેટિવ હોય એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ આપવો જોઈએ એવી માંગ ઉઠી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU પર જ્યાં સૌથી વધુ કોરોના સંક્રમણ છે એવા વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટના જ પ્રવાસીઓ વધુ આવતા હોય છે. તેથી એ પ્રવાસીઓ જો કોરોના સંક્રમીત હોય અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ફેલાય તો એના માટે જવાબદાર કોણ. એક તરફ કોરોના સંક્રમણને લીધે રાજ્યના મોટે ભાગના ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો બંધ છે તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ ખુલ્લું એ પ્રશ્ન ઉઠી રહ્યા છે.

કોરોના સંક્રમણની ચેન તોડવા જ્યારે જિલ્લાના વેપારીઓએ 3 દીવસ સજ્જડ લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ શુ કોરોના પ્રુફ હશે, કે પછી સરકાર ફક્ત પોતાના ફાયદા ખાતર નર્મદા જિલ્લા વાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે એવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.

નર્મદા જિલ્લામાં અગાઉ તંત્ર એ કોરોના મહામારીને ધ્યાને લઇ ચૈત્રી માસમાં યોજાતી પંચકોશી નર્મદા પરિક્રમા રદ કરી દીધી છે. હરસિદ્ધિ માતાજીનું મંદિર પણ ચૈત્રી નવરાત્રીમાં દર્શન માટે બંધ કરાયું છે. કાલિકા માતા મંદિરે યોજાતો મેળો પણ બંધ છે ત્યારે SOU પર ગુજરાતના મહાનગરો તેમજ અન્ય રાજ્યોમાંથી ઊમટતા પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં સ્થાનિકો અને કર્મચારીઓને સંક્રમિત કરી કોરોના ફેલાવી શકે છે તેવો લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud