• 100 કિમી ત્રિજયામાં આદિવાસી વિસ્તારને 2022 સુધીમાં રૂ. 9000 કરોડનો લાભ
  • 3 નવા સબસ્ટેશનમાંથી SOU માટે 20 KM અન્ડરગ્રાઉન્ડ કેબલ લાઇન

કેવડિયા. પીએમ મોદીના 4200 કરોડના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધી 2 વર્ષમાં 40 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તેને રાત-દિવસ સતત ઝગમગતું રાખવા નવા 3 સબસ્ટેશન કાર્યરત કરી 4000 કિલો વોટ ( 4MW) વીજ પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે.

વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુના 25 કિલોમીટર વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તેમજ સરદાર સરોવર નર્મદા ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ ઉદ્ઘાટન કરનાર છે. વર્ષ 2018 થી અત્યાર સુધી 2 વર્ષમાં કેવડીયા 100 કરોડ નાની, મોટી લાઈટ, એલઇડી, ડેકોરેટિવ લાઇટ્સ, ડિસ્કો લાઇટ્સ, લેસર લાઈટ સહિતથી ઝગમગતું થઈ ગયું છે.

કેવડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, 2 ટેન્ટ સિટી સહિત આસપાસના આકર્ષણોને સતત રોશનીથી ઝળહળતા રાખવા અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા 3 નવા સબસ્ટેશન કાર્યરત કરાયા હતા. જેમાંથી 20 કિલોમીટર અંડર ગ્રાઉન્ડ વીજ લાઇન થકી SOU અને તેના વિવિધ આકર્ષણોને 4MW (4000 કિલો વોટ) વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 2023 કિલો વોટનો વીજ પુરવઠો જ્યારે ટેન્ટ સિટી માટે 750 કિલો વોટનો વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. હાલ વડાપ્રધાનના આગમનને લઈ 4 ટ્રાન્સફોર્મર પણ ઉભા કરી 12 જેટલા 50 કેવીના ટેમ્પરરી કનેક્શનો પણ કાર્યરત કરાયા છે.

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને ખાસ ‘‘મિશન મોડ’’થી રેકર્ડ સમયમાં દિવસ-રાત કામ કરી પૂર્ણ કરવામાં આવ્યા છે. સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત 3000 કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ 100 કિલોમીટરની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે વર્ષ 2022 સુધીમાં અંદાજીત  9000 કરોડનો લાભ થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud