• PM ના આગમન પેહલા શિડયુલ 5 વિસ્તારમાં આવતા તમામ આદીવાસી કુટુંબ સ્વેચ્છાએ પોતાના ઘર પર “હું SOU કાયદાનો વિરોધ કરું છું” તેવી ધજા ફરકાવતો ઠરાવ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019 નો કાયદો પરત ખેંચવા આવનારા સમયમાં લોક આંદોલનનો જુવાળ

 

Statue of Unity

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 2 વર્ષ પૂર્ણ થવા સાથે 31 ઓક્ટોબરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સહિત અન્ય 4 જિલ્લાના અધિકારીઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સફળ બનાવવા તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે એ જ વિસ્તારના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ કાયદાનો વિરોધ કરતો અને સરકારને આંદોલનની ચીમકી આપતો એક ઠરાવ સર્વાનુમતે પસાર કરતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.

સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019નો કાયદો વિધાનસભામાં પાસ કર્યો હતો. એ કાયદા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 14 જેટલા ગામોમાં વિકાસ લક્ષી પ્રોજેક્ટો હાથ ધરાશે, હવે 14 ગામના આદિવાસીઓ પોતાની જમીન ખાલી કરવા તૈયાર નથી, અવાર નવાર તેઓ વિરોધ પ્રદર્શન કરે છે. 31મી ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા આવી રહ્યા છે તો બીજી બાજુ વાગડીયા ગામના આદિવાસીઓએ ગ્રામસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019નો કાયદાનો વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી આપતો ઠરાવ સર્વાનુમતે પસાર કરતા ખળભળાટ મચ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વાગડીયા ગામની ગત 3/10/2020ના રોજ ગ્રામસભા મળી હતી. જેમાં આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019ના કાયદાને ગેરબંધારણીય ગણી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં એ વિસ્તારના અન્ય ગામોની સહિયારી ગ્રામસભા બોલાવી આ કાયદો પાછો લેવા સરકારને રજૂઆત કરશે. એ વિસ્તારના આદિવાસીઓએ સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019 કાયદો સ્થાનિક આદિવાસીઓની જમીન પડાવી લઈ ગેર-આદિવાસીઓના કથિત વિકાસ માટે બનાવ્યો છે.

વાગડીયા ગામના સરપંચ ગોવિંદભાઈ ગોપાલભાઈ તડવીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલા સરદાર સરોવર નર્મદા ડેમ માટે કથિત રીતે લીધેલી જમીનનો સ્ટેચ્યુ ઓફ યુનિટી કાયદા માટે ઉપયોગ પર અમે વિરોધ કરીએ છીએ, સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એને સંલગ્ન તમામ પ્રોજેક્ટોનો પણ વિરોધ કરીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન 2019નો કાયદો પરત ખેંચવા આવનારા સમયમાં લોક આંદોલન થશે. શિડયુઅલ 5 વિસ્તારમાં આવેલ તમામ આદિવાસી કુટુંબ સ્વેચ્છાએ પોતાના ઘર પર “હું સ્ટેચ્યુ ઓફ યુનિટી કાયદાનો વિરોધ કરું છું” એવી ધજા ફરકાવશે. ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કાયદાની અમલવારી મુલતવી રાખી અસરગ્રસ્ત ગ્રામ પંચાયતના આદિવાસીઓ સાથે આ કાયદા બાબતે પરામર્શ કરે તેવી પણ માંગણી કરાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !