• વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને લઈ ઝઘડિયા ધારાસભ્યના રાજ્ય સરકાર પર પ્રહાર
  • દેશમાં 11 કરોડ અને રાજ્યમાં 1 કરોડ આદિવાસી વસતા હોય 9 ઓગસ્ટે જાહેર રજા જાહેર કરવી જોઈએ
  • BJP હોય કે કોંગ્રેસ ચૂંટણીઓ ટાણે વોટ બેંક માટે માત્ર આદિવાસીઓ સાથે રાજનીતિ જ કરાઈ હોવાનો આક્ષેપ

WatchGujarat. ઝઘડિયાના BTP ધારાસભ્ય છોટુ વસાવાએ જે સ્થળે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી થવાની છે. તે SOU સ્થળે રાજ્ય સરકારે આદિવાસીઓના હક અને અધિકાર છીનવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીપી ના સુપ્રીમો છોટુ વસાવાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે એક વિડિયો મેસેજ વાયરલ કરી જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં સરકાર આદિવાસી દિવસ 9 ઓગસ્ટ ઉજવવાની તૈયારી કરી રહી છે.

આજથી ચાર-પાંચ વર્ષ પહેલા આદિવાસી દિવસની સરકાર ઉજવણી બાબતે સંયુક્ત રાષ્ટ્ર સંધની જે ફોર્મ્યુલા ગાઈડલાઈન છે તેનું પાલન પણ કરતી ન હતી. હવે એકાએક સરકારને અમારી લાગણી થઇ આવી છે. જ્યાં સરકાર ઉજવણી કરવાના છે ત્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU સત્તા મંડળ બનાવીને ગામસભાના હક-અધિકાર છીનવી લીધા છે. તો આદિવાસી દિવસની ઉજવણી કરવાનો મતલબ શું રહ્યો. ઈકો સેન્સીટીવ ઝોન બનાવી 121 ગામોમાં સરકારના નામ દાખલ કરી દીધા.

આદિવાસીઓ 150 – 200 વર્ષોથી જમીન ખેડીને જીવતા હતા તેવા 70,000 ની આબાદીની જમીનને ઇકો સેન્સેટીવ ઝોન બનાવીને આદિવાસી સાથે ભાજપ સરકાર શું કરવા માંગે છે,  તે સમજાતું નથી. જો ખરેખર આદિવાસીઓની લાગણી હોય તો ત્યાંથી તગેડી મૂકવાના કાયદા કેવી રીતે બનાવી શકો. અને કેવી રીતે સરકારના નામે નાખી શકો. તમને મત મળે એટલા માટે તમે ઉજવણી કરી રહ્યા છો. ખરા અર્થ માં આદિવાસીઓની તમને લાગણી નથી.

ભાજપ સરકારે શા માટે અત્યાર સુધી ધ્યાન નથી આપ્યું કે આદિવાસી લોકોના હક અધિકાર આપવા જોઈએ. સામેથી સરકારે કહેવુ જોઇએ કે અમે તમારી સાથે છે. દેશમાં 11 કરોડ જેટલા આદિવાસીઓ છે ગુજરાતમાં 1 કરોડ જેટલા છે તેમ છતાં 9 મી ઓગસ્ટ જાહેર રજા રાખવામાં આવતી નથી. ભાજપ સાથે છોટુ વસાવાએ કોંગ્રેસને પણ આડે હાથે લઈ બન્ને પક્ષોએ આદિવાસીઓ સાથે માત્ર વોટ બેંકની રાજનીતિ જ ચૂંટણીઓ ટાણે કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud