• સરદાર ફાર્મમાં કાર્યકરો સાથે મીટિંગોનો દોર ચાલું
  • ઓબીસી સંશોધન બિલનો રાજ્ય સરકાર કઈ રીતે અમલ કરાવે છે તે જોવાની બાબત બની રહેશે – હાર્દિક પટેલ
  • પાસ દ્વારા પણ હવે કોંગ્રેસને છોડીને આપને વધારે ટેકો આપવામાં આવી રહ્યો છે

WatchGujarat. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ બે દિવસ માટે સુરતના મહેમાન બન્યા છે. અહીં તેઓ રોકાઈને સ્થાનિક લોકોના પ્રશ્નોને જાણવાનો, સાંભળવાનો અને ઉકેલવાનો પ્રયત્ન કરશે. ગત રાત્રે પણ તેમણે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરદાર ફાર્મની મુલાકાત લીધી હતી અને લોકોને સાંભળ્યા હતા. વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ ફાળવવા બાબતે, કોરોના કાળ પછી વિદ્યાર્થીઓને ફી બાબતે આવી રહેલી મુશ્કેલીઓ વિષે અને મિલ્કત તેમજ પાણી વેરા વિષે તેઓએ સ્થાનિકોના પ્રશ્ન સાંભળ્યા હતા.

જોકે વિધાનસભા ચૂંટણી નજીક છે તે પહેલા હાર્દિક પટેલના સુરતના આંટા ફેરા હવે વધી ગયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાંથી પણ કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઇ ગયો હતો. અને હવે જયારે વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી વાર મૃતઃપાય થઇ ગયેલી કોંગ્રેસ પાર્ટીમાં પ્રાણ ફૂંકવા હાર્દિક પટેલ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

સરદાર ફાર્મમાં કાર્યકરો સાથે મીટિંગોનો દોર ચાલી રહ્યો છે ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે ઓબીસી સંશોધન બિલને તે આવકારે છે. જોકે રાજ્ય સરકાર તેના પર કઈ રીતે અમલ કરાવે છે તે પણ જોવાની બાબત બની રહેશે. પાટીદારો લાંબા સમયથી જે અનામતની માંગણી કરી રહ્યા હતા તેનો આ બિલથી કઈ રીતે ફાયદો થાય છે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે સુરતમાં પાસને ઉભું કરવા માટે જે મહત્વના પીઠબળો હતા તે હવે વહેંચાઈ ગયા છે. કોઈ આપ પાર્ટીમાં જોડાયું છે તો કોઈ ભાજપમાં. તો બીજી તરફ પાસ દ્વારા પણ હવે કોંગ્રેસને છોડીને આપને વધારે ટેકો આપવામાં આવી રહ્યો છે. આવા સમયે ઓબીસી સંશોધન બિલ પર પાટીદારો કેવી રીતે એકત્ર થશે તે બાબતે પૂછતાં હાર્દિકે જણાવ્યું હતું કે ભલે પક્ષ અલગ હશે પણ જયારે અનામતની વાત આવશે ત્યારે બધા એકસાથે થશે.

નોંધનીય છે કે હાર્દિકની આ મુલાકાત આગામી વિધાનસભાની તૈયારીને લઈને હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે આપ દ્વારા કોંગ્રેસનો સફાયો કરવામાં આવ્યો છે તે જોતા હવે વિધાનસભામાં કોંગ્રેસનું પરફોર્મન્સ કેવું હશે તે પણ જોવાની બાબત બની રહેશે. જેની તૈયારી કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud