• વેસુ વિસ્તારની મુખ્યમંત્રી આવાસ યોજનાના રહીશોએ મનપામાં અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી.
  • રહીશોએ બિલ્ડીંગના ગેટ પર રાજકીય નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવ્યા

WatchGujarat સુરતના વેસુ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સુમન શૈલ બિલ્ડીંગ આવેલા છે. અહી મીઠા પાણીની સમસ્યાને લઈને રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. છેલ્લા ૪ વર્ષથી મનપામાં અનેક ફરિયાદો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. જેથી રહીશોએ બિલ્ડીંગના ગેટ પર રાજકીય નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવી દીધા છે. અને ચુંટણી બહિષ્કારની ચીમકી આપી દીધી છે.

સુરતના વેસુ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં સુમન શૈલ એ, બી, સી.ડી. એમ ચાર ટાવર મળી કુલ 843 ફ્લેટ આવેલા છે. ચાર વર્ષ પહેલા જ્યારથી આ ફ્લેટો ની ફાળવણી કરવામાં આવી ત્યારથી આ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પીવા લાયક મીઠા પાણી માટેની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક હોદ્દેદારોએ વારંવાર ક્રમશ સ્થાનિકો કોર્પોરેટર ,ધારાસભ્ય તેમજ અઠવાઝોનના અધિકારીઓને રજૂઆત કરેલ હોવા છતાં તેઓની સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. જેથી રહીશોએ બિલ્ડીંગના ગેટ પર રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવી દીધા છે. આ ઉપરાંત ચુંટણી બહિષ્કારની ચીમકી પણ આપી દીધી છે.

પાણી ખારું આવતું હોવાથી રહીશો અનેક બીમારીનો ભોગ બની રહ્યા છે.

સ્થાનિક રહીશ સુરેખાબેન પટેલએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અહીંયા મીઠા પાણીને લઈને સમસ્યા છે. ખારા પાણીને લઈને અનેક રજૂઆતો કરી છે. પરંતુ કોઈ સાંભળતું નથી. પાણી ખારું આવતું હોવાથી રહીશો અનેક બીમારીનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત હવે તેઓએ વેરો નહી ભરવાની પણ ચીમકી આપી દીધી છે. અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવનારી ચુંટણીને લઈને કોઈ પણ રાજકીય નેતાઓને બિલ્ડીંગમાં પ્રવેશવા દેશું નહી. અન્ય રહીશ નીલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે અનેક રજૂઆતો કરી છે. પરંતુ અમારી સમસ્યા આજદિન સુધી સાંભળવામાં આવી નથી. હવે જ્યાં સુધી અમને પાણી નહી મળે ત્યાં સુધી અમે વોટ નહી આપીશું.

રહીશોએ ગેટ પર બેનર લગાવી આક્રોશ વ્યક્ત કર્યો

મીઠા પાણીની સમસ્યાને લઈને રહીશો એટલી હદે રોષે ભરાયા કે તેઓએ સોસાયટી અને બિલ્ડીંગના ગેટ પર બેનરો લગાવી દીધા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આથી જણાવવાનું કે અમારી સોસાયટીમાં છેલ્લા ૪ વર્ષથી પીવાના મીઠા પાણીની તકલીફનું નિવારણ કરવામાં આવેલ નથી. જેથી કરી અમો સુમન શૈલ એ.બી.સી.ડી. ટાવરના તમામ રહીશો આગામી ચુંટણીનો બહિષ્કાર કરીએ છીએ જેથી કોઈ પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ચુંટણીના પ્રચાર અર્થે અમારી સોસાયટીમાં આવવું નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud