• ડૂબી ગયેલા લોકો સગાઈ પ્રસંગમાં આવ્યા હતા અને ત્યારબાદ તાપી નદીમાં ફરવા જતા આ ઘટના બની હોવાનું બહાર આવ્યું
  • ફાયર વિભાગે ડૂબેલા બંને લોકોની લાશને બહાર કાઢી હતી.

WatchGujarat સુરતના અમરોલી સ્થિત આવેલા ઉતરાણ હળપતિ વાસ પાસેની તાપી નદીમાં બોટ પલટી મારી જવાની ઘટના સામે આવી હતી. જેમાં ૫ લોકો ડૂબી ગયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોનો બચાવ થયો હતો. જયારે ૨ લોકોના મોત નીપજ્યા હતા. ડૂબી ગયેલા લોકો સગાઈ પ્રસંગમાં આવ્યા હતા અને ત્યારબાદ તાપી નદીમાં ફરવા જતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના અમરોલી સ્થિત આવેલા હળપતિ વાસ પાસે આવેલી તાપી નદીમાં બોટ પલટી મારી જવાની ઘટના બની છે. ૫ લોકો બોટમાં બેસી ફરવા નીકળ્યા હતા જ્યાં બોટ પલટી જતા ત્રણ લોકો તરીને બહાર આવી ગયા હતા જયારે બે લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અને બનાવની જાણ ફાયર અને પોલીસ વિભાગને કરવામાં આવી હતી. જેમાં ફાયર અને પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ડૂબેલા બંને લોકોની લાશને બહાર કાઢી હતી. જયારે તરીને બહાર આવેલા લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અપાઈ હતી.

મૃતકના નામ

  • રાહુલ મરાઠી (ઉ.વ.20) રહે. વેડરોડ અહેમદ નગર, સુરત
  • અજય રાઠોડ(ઉ.વ. 35) રહે. વેડરોડ અહેમદ નગર, સુરત

બચાવ થયેલા યુવકોના નામ

  • હિતેશ રાઠોડ (ઉ.વ.20) રહે. ઉતરાણ હળપતિવાસ, સુરત
  • અલ્ફાસ શેખ (ઉ.વ.30) રહે. વેડરોડ અહેમદ નગર, સુરત
  • સોનુ શેખ (ઉ.વ.19)રહે. વેડરોડ અહેમદ નગર, સુરત

તમામ યુવકો સુરતમાં રહેતા સંબંધી અજય રાઠોડના ભાઈ પ્રમોદની સગાઈમાં આવ્યા હતા. અને ત્યારબાદ ફરવા માટે તાપી નદીમાં મિત્રો સાથે ગયા હતા. જ્યાં આ ઘટના ઘટતા હરખનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે. અજય મિત્રો સાથે ઉતરાણ તાપી નદીમાં નાવડીમાં ફરવા ગયો હતો. નાવડી પલ્ટી મારી ગઈ હોવાની બૂમાબૂમ થયા બાદ તાપી કિનારે ચાલતા પ્રસંગમાં ખબર પડી હતી. પરિવાર સહિત 35 જણા દોડીને તાપી કિનારે ગયા હતાં. ત્રણ જણા બહાર નીકળ્યા બાદ ખબર પડી કે, અજય અને રાહુલ તાપીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં ફાયર ના જવાનોએ રાહુલને પહેલા અને ત્યારબાદ અજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

મૃતક અજયના માતા-પિતા બહેન અને ભાઈ પ્રમોદ શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. એક બાજુ ભાઈની સગાઈની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ ભાઈનું તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો. અજય છૂટક મજૂરી કામ કરતો હતો. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud