• સુરતના વેસુ સ્થિત કેનાલ રોડ પાસે રહેતા લોકેશભાઈ લક્ષ્મીલાલ સિંઘવી રીંગરોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં કાપડ ની દુકાન ધરાવે છે
  • વેપારી પાસે પાર્સલ મોકલીને ધમકી ભર્યો લેટર મોકલીને ખંડણી માંગવામાં આવી
  • સમગેર મામલે પોલીસને જાણ કરાતા તંત્ર એક્શમાં આવ્યું
  • પોલીસે ગણતરીના કલાકોમાં વેપારીને ધમકી આપનારની ધરપકડ કરી કેસ ઉકેલ્યો

WatchGujarat. સુરતમાં કાપડ વેપારીને એક કિશોર પાર્સલ આપી ગયો હતો તે પાર્સલમાંથી પિસ્તલ અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. અને ધમકી ભર્યો લેટર પણ નીકળ્યો હતો સાથે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટનામાં સુરત પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી અન્ય કોઈ જ નહી પરંતુ દુકાનમાં કામ કરતો કારીગર જ નીકળ્યો હતો.

સુરતના વેસુ સ્થિત કેનાલ રોડ પાસે રહેતા લોકેશભાઈ લક્ષ્મીલાલ સિંઘવી રીંગરોડ પર આવેલી શિવશક્તિ માર્કેટમાં કાપડ ની દુકાન ધરાવે છે. ગતરોજ બપોરના સમયે તેઓ દુકાન પર હતા તે વેળાએ એક કિશોર તેઓની દુકાને આવ્યો હતો. અને લોકેશભાઈના ભાઈ ઇન્દરભાઈનું પાર્સલ છે બોમ્બેથી આવ્યું છે તેમ કહી પાર્સલ આપીને ચાલ્યો ગયો હતો. વેપારીએ પાર્સલ ખોલતા તેમાંથી એક પિસ્તલ અને 4 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા. સાથે તેઓના ફાર્મ હાઉસ સહિતના અલગ અલગ 14 ફોટાઓ અને અંગ્રેજીમાં ડી કંપનીના નામે ટાઈપ કરેલો ધમકી ભર્યો લેટર નીકળ્યો હતો. લેટરમાં તેઓના પરિવારના કોઈ પણ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે જ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટના બાદ કાપડ વેપારી ગભરાયા હતા અને તેઓએ તાત્કાલિક આ મામલે પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોઈ સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે એક સ્પેશીયલ ટીમની રચના કરી હતી. અને આખો દિવસ અને આખી રાત તપાસ કર્યા બાદ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં આવું કરનાર અન્ય કોઈ નહી પરંતુ દુકાનમાં કામ કરતો કારીગર જ નીકળ્યો હતો.

દુકાનમાં કામ કરતો કારીગર જ નીકળ્યો આરોપી

આ ઘટનામાં સુરત પોલીસની ટીમે ગોડાદરા સ્થિત વિઠલ મંદિર પાસે રહેતા 21 વર્ષીય સાગર ભગવાન મહાજન અને આસપાસ નીલગીરી સર્કલ પાસે રહેતા તેના 21 વર્ષીય મિત્ર કિરણ પીતાંબર મહાજનને ઝડપી પાડ્યા હતા.  પોલીસ તપાસમાં આરોપી સાગર તેની બહેન સાથે રહે છે. અને કાપડ વેપારીની દુકાનમાં સાદી પેકિંગનું કામ છેલ્લા 8 વર્ષથી કરે છે. તેમ છતાં તેનો પગાર માત્ર 10 હજાર રૂપિયા જ હતો આ ઉપરાંત દુકાનમાં નવા આવેલા કરીગરને કાપડ વેપારી 9,500 રૂપિયા ચુકવતા હતા જેથી પોતાનો પગાર વધારવા માટે અવાર નવાર કાપડ વેપારીને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.  ત્યારબાદ તેના મિત્ર સુરેશનું નિધન થતા તેની અંતિમવિધિ માટે સાગરે કાપડ વેપારી પાસેથી 10 હજાર રૂપિયા માંગ્ય હતા જેમાં કાપડ વેપારીએ તારા જવાથી તારો મિત્ર જીવતો નહી થઇ જાય તેવો જવાબ આપ્યો હતો. જેથી આ વાતનું કારીગર સાગરને લાગી આવ્યું હતું અને તેણે બદલો લેવાનું વિચાર્યું હતું.

શોશ્યલ મીડિયામાં વિડીયો જોઈ ડી કંપનીના નામે ખંડણી માંગી હતી

પોલીસે આરોપી સાગરની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે બદલો લેવાનું નકકી કર્યું હતું અને બાદમાં શોશ્યલ મીડિયા પર ડી-ગેંગ વિડીયો જોઈ તેવી જ રીતે ડરાવી ધમકાવી ગન મોકલી ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો.  અને ત્યારબાદ તેના મિત્રને વાત કરી તેને પણ અર્ધા રૂપિયા આપવાની લાલચ આપી આ પ્લાનમાં સામેલ કરી લીધો હતો.

રજાના દિવસે ફોટા પડ્યા હતા

આરોપી સાગરે તેના મિત્ર સાથે મળી રજાના દિવસે કાપડ વેપારીના ઘર તથા ફાર્મ હાઉસના ફોટા પાડી લીધા હતા અને બાદમાં લીંબાયત સંજય નગર ખાતેથી તે ફોટા પ્રિન્ટ કરાવ્યા હતા અને પોતે જ ગુગલમાં ધમકીઓ બોલી તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી ધમકીઓ ભર્યો લેટર અને તમંચો અને કારતુસ પાર્સલ તૈયાર કરી વેપારીની દુકાને મોકલાવ્યું હતું

પોલીસ કર્મીઓને અપાશે ઇનામ

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે આ એક બલાઇન્ડ કેસ હતો. કેસની ગંભીરતા જોઈ ક્રાઈમ બ્રાંચ, એસ.ઓ.જી. સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓની એક સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી હતી. આ તમામ ટીમે દિવસ રાત તપાસ કરી આરોપીને પકડી પાડ્યા છે. ડિટેકશન આપનારા તમામ પોલીસકર્મીઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવશે.

ડીલવરી બોયની પણ થઇ ઓળખ

કાપડ વેપારીને ડીલવરી આપનારો કિશોર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. આ મામલે પોલીસે ડીલવરી આપનારા કિશોરને પણ ઝડપી પૂછપરછ કરી હતી. પાર્સલ આપવા માટે આરોપીએ કિશોરીને 20 રૂપિયા આપ્યા હતા. પોલીસ તપાસમાં કિશોરને આ બાબતની કોઈ માહિતી ન હતી માત્ર તેને દુકાનમાં પાર્સલ આપવા સાગરે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud