• આગ બુઝાવવાની કામગીરી કરતી સુરત ફાયર વિભાગની ટીમે મહિલાનો જીવ બચાવીને વાહવાહી મેળવી
  • વેસુ વિસ્તારમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં 10માં માળેથી 41 વર્ષીય મહિલા આપઘાત કરવાનો પ્રયત્ન કરતી હોવાની જાણ થતા જ ફાયલના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા
  • 41 વર્ષીય મહિલા કવિતા બેન ડિપ્રેશનનો શિકાર હતા અને જેના કારણે તે આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી
  • ફાયરના જવાનોએ ચાલાકી પુર્વક મહિલાનો જીવ બચાવ્યો

WatchGujarat. ફાયર વિભાગનું નામ આવે તો તેમની પહેલી કામગીરી આગ બુઝાવવાની જ ધ્યાનમાં આવે. સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા 24 કલાક ખડેપગે રહીને કોલ મળે તો તરત જ આગ બુઝાવવાની કામગીરી માટે દોડવાનું કામ હોય છે. પરંતુ સુરત ફાયરે રવિવારે જે કામગીરી કરી તે વખાણવા લાયક છે. આગ બુઝાવવાની કામગીરી કરતી સુરત ફાયર વિભાગની ટીમે વેસુ વિસ્તારમાં રહેતી અને ડિપ્રેશનના કારણે આપઘાતનો પ્રયાસ કરવા જઇ રહેલી એક મહિલાની જિંદગી બચાવવાની ઉમદા કામગીરી પણ કરી છે.

રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સુરત ફાયર વિભાગની ટીમને કોલ મળ્યો હતો કે વેસુ વિસ્તારમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં 10માં માળેથી 41 વર્ષીય મહિલા આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહી છે. મહિલાએ બાલ્કનીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે અને ગેલેરીમાં ઉભા રહીને મહિલા કૂદીને આપઘાત કરવાની ધમકી આપી રહી છે. આ કોલ મળતા જ સુરત વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત મહિલાને રેસ્ક્યુ કરવા સાથે 55 મીટરની ઊંચાઈ ધરાવતી ટર્ન ટેબલ લેડર એટલે કે ઊંચી સીડી પણ લઈ ગઈ હતી. આ ઉપરાંત તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત ફાયર વિભાગે ખરીદેલું જમ્પિંગ કુશન પણ લઈ જવામાં આવ્યું હતું.

41 વર્ષીય મહિલા કવિતા બેન ડિપ્રેશનનો શિકાર હતા અને જેના કારણે તે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. મહિલાને બચાવવા પહોંચેલી ફાયર વિભાગ ટીમના 2 જવાનોએ મહિલા સાથે વાતચીત ચાલુ રાખી હતી. તો બીજી તરફ અન્ય ફાયરના જવાનોએ ટર્ન ટેબલ લેડર મહિલા પાસે લઈ જવામાં આવ્યું હતું. તે સિવાય જો મહિલા આકસ્મિક રીતે છલાંગ લગાવી પણ દે તો નીચે તેના માટે જમ્પિંગ કુશન પણ મુકવામાં આવ્યું હતું. મહિલાને વાતોમાં રાખીને ફાયર વિભાગની ટીમ ઘરમાં બાલ્કની પાસે પહોંચીને દરવાજો તોડીને મહિલાને બચાવી લેવામાં આવી હતી. જે બાદ સૌએ ફાયર વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મહિલાનું નામ કવિતાબેન હતું. થોડા વર્ષ પહેલાં તેમના કાકાનું મૃત્યુ થયું હતું અને બાદમાં એક વર્ષ પહેલાં તેના પિતાનું પણ મોત થયું હતું. જેના કારણે તેઓ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. આ પહેલા પણ તેઓ બે વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચુક્યા છે. પરંતુ આ બનાવમાં સુરત ફાયરે ઉમદા કામગીરી કરીને મહિલાને ઉગારી લીધી હતી. આમ, સુરત ફાયર વિભાગની ટીમની આ ઉમદા કામગીરીને સ્થાનિકોએ વધાવી લીધી હતી. અને મહિલાની જિંદગી બચાવવા બદલ ફાયર ટીમનો આભાર પણ માન્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud