• 10 વર્ષની કન્વીશા અને તેના ભાઈએ સાડા ત્રણ વર્ષ પહેલા પિતાનું છત્ર ગુમાવ્યું, ગત વર્ષે કોરોનાથી માતાનું પણ અવસાન થતા બાળકોએ આધાર ગુમાવ્યો
  • હાલમાં બન્ને બાળકો તેમના નાના-નાની પાસે રહે છે
  • સુરતના મેયરે બાળકીને દત્તક લઈ તેના આરોગ્યથી લઈને શિક્ષણ સુધીની તમામ જવાબદારી ઉપાડી
  • કોરોના મહામારીના કારણે માતાપિતાનું ગુમાવનારા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સહાય  મળશે

WatchGujarat. આપણે સૌ જાણીએ છે કે કોરોના મહામારીના કારણે અસંખ્ય લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અનેક પરિવારોએ પોતાના ઘરના મોભી, માતાપિતા, ભાઈ બહેન કે અન્ય સ્વજનો ગુમાવ્યા છે. જેમાં અસંખ્ય બાળકોએ માતાપિતાનું છત્ર ગુમાવ્યું છે. ત્યારે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ માતાપિતાની છાયા ગુમાવનાર આવી જ 10 વર્ષની એક બાળકીને દત્તક લઈને સમાજને ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પણ આવા બાળકોને હૂંફ આપવા માટે કાર્યકરી રહી છે. જેમાં મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 21 વર્ષ સુધી મહિને 4 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ત્યારે સુરતના મેયર હેમાલી બોઘાવાલા તથા અન્ય પદાધિકારીઓએ માતાપિતાની છત્રછાયા ગુમાવનારા શહેરના 45 બાળકોની પડખે ઉભા રહી તેમની સાથે ભોજન લીધું હતું. મહત્વનું છે કે આ પ્રસંગે મેયર હેમાલી બોઘાવાલાએ 10 વર્ષની કન્વીશાને દત્તક લઈને દાખલો બેસાડ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ કન્વીશા તેના નાના નાનીના ઘરે રહે છે. જ્યાં તેના મામા સહિતનો પરિવાર તેની અને તેના નાના ભાઈની સાર સંભાળ રાખે છે.

આ અંગે વાત કરતાં મેયરે જણાવ્યું હતું કે, કન્વીશા સાથે જમતી વખતે તેને પૂછ્યું હતું કે તેને શું બનવું છે, ત્યારે કન્વીશાએ નિખાલસતાથી કહ્યું હતું કે તે કલેકટર બનવા માંગે છે. તેની આંખોમાં દ્રઢ ઈચ્છા અને સપના જોઈને મારી આંખોમાં પણ આંસુ છલકાઈ ઉઠ્યા હતા. જેથી દીકરીના સપનાઓને પુરા કરવા બાળકીના આરોગ્ય અને આગળના અભ્યાસની તમામ જવાબદારીમાં મદદરૂપ થવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે 10 વર્ષની દીકરી કન્વીશા અને તેના ભાઈએ સાડા ત્રણ વર્ષ પહેલા તેના પિતાનું છત્ર ગુમાવ્યું હતું. તેના પિતા ફોટોગ્રાફર હતા. અને ગત વર્ષે કોરોનાથી તેની માતાનું પણ અવસાન થતા બાળકોએ આધાર ગુમાવ્યો હતો. જોકે હાલ આ બંને બાળકો તેના નાના- નાનીના ઘરે રહે છે. જયારે મામા બાળકોની પણ બાળકોની દેખરેખ અને સાર સંભાળ રાખે છે. કન્વીશા હાલ છઠ્ઠા ધોરણમાં ભણે છે.

વધુમાં મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું છે કે, કન્વીશાને દત્તક લઈને તેની તમામ જવાબદારી મેં ઉપાડી છે. આ દીકરીના અભ્યાસ સુધી તેના અભ્યાસ સહિત આરોગ્યલક્ષી તમામ જરૂરિયાતો હું પુરી કરીશ. સાથે આ બાળકીના દર 15 દિવસે તે ખબર અંતર પણ લેશે. અને દીકરીના ઉછેરની કોઈ કમી ન રહી જાય તેનું પણ તેઓ પૂરતું ધ્યાન રાખશે, તેવું તેમણે જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud