• સુરતના શૈલેશ સિંઘને તા.09 જુલાઈના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા પહોંચી હતી
  • થોડા દિવસની સારવાર બાદ તા. 16 જુલાઈના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરાયો
  • પત્ની સીમા અને તેના ભાઈઓએ શૈલેશ સિંઘના અંગદાનનો નિર્ણય લીધો

WatchGujarat. ઝારખંડના રહેવાસી અને ONGCમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. સંસ્થા દ્વારા ત્યાર સુધીની હ્રદય ડોનેટ કરવાની આ 34 મી ઘટના છે.

શૈલેશ સિંઘને તા.09 જુલાઈના રોજ રોડ અકસ્માતમાં મગજમાં ગંભીર ઈજા થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ સનશાઈન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસની સારવાર બાદ તા. 16 જુલાઈના રોજ ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા તેની પત્ની સીમા અને તેના ભાઈઓએ શૈલેશ સિંઘના અંગદાનનો નિર્ણય લીધો. શૈલેશ સિંઘનું હદય, બે કિડની અને લિવરનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરવામાં આવ્યું. જેના દ્વારા ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.

સુરતથી અમદાવાદનું 285 કિ.મીનું અંતર 80 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જામ ખંભાળિયાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. આ યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પીંગ 5% થી 10% જેટલું થઇ ગયું હતું.

સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 271 કિ.મિ રોડ માર્ગનું અંતર 240 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે જયારે દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીઓ માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કે.ડી. હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવી રહ્યું છે.

હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોવીડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં છ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 3 હૃદય, 2 ફેફસાં, 12 કિડની, 6 લિવર અને 8 ચક્ષુઓ સહીત કુલ 31 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 30 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 394 કિડની, 163 લિવર, 8 પેન્ક્રીઆસ, 34 હૃદય, 14 ફેફસાં અને 294 ચક્ષુઓ કુલ 905 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 833 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud