• વરાછા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી વેચવાનું કૌભાંડ ઝડપાયું
  • ગેરેજ માલિક દ્વારા ચોરીની બાઇક વેચવા માટે સુનિયોજીત રીતે કામ પાર પાડવામાં આવતું હતું

WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાંથી બાઈક ચોરી તેના એન્જીન-ચેસીસ નંબર બદલી ખોટો નંબર લગાવી જૂનાગઢ અને અમરેલીના ગામડાઓમાં સસ્તામાં વેચતા ગેરેજ માલિકને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. રૂ.7.33 લાખની 35 બાઈક ઉપરાંત પાર્ટ્સ કબ્જે કરી 10 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. રૂ.15 થી 20 હજારમાં ચોરીની બાઈક વેચતા બંને બાઈક ખરીદનારને બાદમાં આર.સી.બુક આપવાનું કહી ક્યારેય આપતા ન હતા.

વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી કે, ચોરીની બાઈક સાથે એક ઇસમ વરાછા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા ફૂલ માર્કેટ પાસે જાહેર શૌચાલય પાસેથી આરોપી અરવિંદ ચકુ મારડિયાને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. બાઇક પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી. તેની પૂછપરછ કરતા તેણે વધુ બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે અલગ-અલગ વિસ્તારમાંથી 11 બાઇક કબજે કરી હતી. તેના ઘરેથી ચોરી કરેલી બાઇકના સ્પેર પાર્ટસ પણ કબજે કર્યા હતા.

બાકીની બાઇક અમરેલી અને જુનાગઢના ગામડાઓમાં વેચી હોવાનું કહેતા પોલીસે ત્યાંથી 13 બાઇક કબજે કરી હતી. આરોપીએ બીજી ચોરી કરેલ બાઈક સરથાણા એસ. એમ. સી. પાણીની ટાંકીની સામે મઢુલી ગેરેજના માલિક અશોકભાઇ છગનભાઇ કોલડીયાને વેચી હતી. જેથી મઢુલી ગેરેજના માલીક અશોકભાઇ છગનભાઇ કોલડીયા ને પકડી પાડી તેની પાસેથી ચોરી કરેલ 11 જેટલી બાઈક કબજે કરી હતી. ત્યારબાદ આરોપી અરવિંદ બીજી ચોરી કરેલ બાઈક અમરેલી અને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં વેચી હોય વરાછા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ આરોપીને સાથે રાખીને અમરેલી અને જુનાગઢ જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાં તપાસ કરીને ચોરી કરેલ બીજા 13 બાઈક કબજે કર્યા છે.

બંને આરોપીઓ પાસેથી કુલ 35 જેટલી બાઈક અને ચોરી કરેલ બાઈકના 8 એન્જિન, 1 ચેસીસ અને અન્ય સ્પેરપાર્ટ્સ મળીને કુલ્લે 8.37 લાખનો મુદામાલ કબજે કર્યો છે. અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતો અરવિંદ વર્ષ 2009 અને 2011 માં વરાછામાંથી કુલ ચાર બાઈકની ચોરીમાં પકડાયો હતો. બાદમાં તે હમવતની અશોકના સંપર્કમાં આવ્યો હતો. અને તે વરાછામાંથી બાઈક ચોરીને અશોકને આપતો હતો.

અશોક તેને પ્રતિ બાઈક રૂ.10 હજાર આપી તેના એન્જીન-ચેસીસ નંબર બદલી ખોટો નંબર લગાવી જૂનાગઢ અને અમરેલીના ગામડાઓમાં સસ્તામાં રૂ.15થી 20 હજારમાં વેચતો હતો. મોટાભાગે ગામડાના ખેતરોમાં જવા ઉપયોગમાં લેતા લોકો માટે સ્પ્લેન્ડર જેવી બાઈક ચોરી સસ્તામાં વેચતા બંને બાઈક ખરીદનારને બાદમાં આર.સી.બુક આપવાનું કહી ક્યારેય આપતા ન હતા. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud