• ટમેટા ગેંગ, લાલુ જાલિમ ગેંગ બાદ હવે અશરફ નાગોરી ગેંગ સામે સુરતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલે કે GujCTOC હેઠળ ગુનો નોંધાયો
  • આ ગેંગે અત્યાર સુધી 12 જેટલા ગંભીર પ્રકારના ગુના આચરેલા છે

 


WatchGujarat. સુરતમાં GujCTOC હેઠળ ત્રીજો ગુનો નોંધાયો છે. આ ગુનો હવે અશરફ નાગોરી અને તેની ગેંગ સામે નોંધાયો છે. આ ગેંગમાં કુલ 5 સભ્યો છે. જેમાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી સહીત બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. આ ગેંગે અત્યાર સુધી 12 જેટલા ગંભીર પ્રકારના ગુના આચરેલા છે.

ટમેટા ગેંગ, લાલુ જાલિમ ગેંગ બાદ હવે અશરફ નાગોરી ગેંગ સામે સુરતમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલે કે GujCTOC હેઠળ ગુનો નોંધાયો છે. આ ગેંગનો મુખ્ય આરોપી મોહમદ અશરફ મોહમ્મદ ઈસ્માઈલ નાગોરી છે. અને તેની ગેગના કુલ 5 સભ્યો સામે પોલીસે ગુજ્સીટોકનો ગુનો નોંધ્યો છે. પાંચ પૈકી 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જયારે મુખ્ય આરોપી અશરફ નાગોરી સહીત બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. આ ગેંગના મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરી, વસીમ મુસ્તુફા કુરેશી અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદીન શેખની પોલીસે ધરપકડ કરી છે. આ ગેગે સુરતના ચોકબજાર, કતારગામ, સલાબતપુરા ડીસીબી પોલીસ મથકમાં 12 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા છે.

ગેંગ સામે ગંભીર પ્રકારના નોંધાયા છે ગુના

આ ગેંગના ૫ આરોપીઓ સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા છે. જેમાં મુખ્ય આરોપી મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરીએ છેલ્લા 10 વર્ષમાં ગંભીર પ્રકારના 12 ગુના, મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અંસારીએ ૨ ગુના, મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરીએ ૨ ગુના, વસીમ મુસ્તુફાએ ૨ ગુના અને અબ્દુલ સમદ ઉર્ફે મલબારી મોયુદીન શેખે 5 ગુના આચરેલા છે.

આરોપીઓ સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી કરાઈ હતી

મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરી વર્ષ 2015 માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તથા વર્ષ 2020 માં હદપારી કરવામાં આવી છે. મોહમ્મદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અંસારી વર્ષ 2015 માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. મોહમદ આરીફ ઈસ્માઈલ નાગોરી વર્ષ ૨૦૧૫માં પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે, વસીમ મુસ્તુફાના પણ પાસા હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.

ગુનેગારોની ખેર નથી : પોલીસ કમિશ્નર

આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય કુમારે આવા ગુનેગારોને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે જો સુરત શહેરમાં કોઈ ગેંગ ગુના આચરશે તેઓની હવે ખેર નથી. આ ઉપરાંત લોકોને પણ પોલીસ કમિશનરે અપીલ કરી છે. કે આવા ગુનેગારોથી ડરવાની જરૂર નથી. આવા ગુનેગારો જો હેરાન કરતા હોય તો કોઈ પણ ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરી શકે છે.

આ વર્ષમાં સૌથી વધુ પાસા કરાયા

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ વર્ષે ગુનેગારો સામે કડક પગલા લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ માથાભારે ગેંગ સામે ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સુરતના ઇતિહાસમાં આજદિન સુધીના સૌથી વધુ પાસા કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2019 માં 417 લોકોને અને વર્ષ 2020 માં સૌથી વધુ 526 લોકોને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દુર

ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી આ ગેંગો આતંક મચાવી રહી હતી. જેની સામે સુરત પોલીસ કમિશનરે લાલ આંખ તો કરી છે. પરંતુ આજદિન સુધી આ ગેંગના સાગરીતો જ પોલીસ પકડમાં આવ્યા છે. અશરફ નાગોરી પહેલા આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. લાલુ જાલીમને હજી સુધી પોલીસ પકડી શકી નથી. હાલમાં પણ અશરફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પરંતુ તે પોલીસ પકડથી દૂર છે. ત્યારે મુખ્ય આરોપીઓને પણ પોલીસ તાત્કાલિક ઝડપી પાડે તે જરૂરી બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud