• આંગડીયા પેઢીના કર્મચારીને લુંટી લેવા જતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી
  • લાલગેટ અને પાંડેસરા પોલીસ મથકમાં નોંધયેલા બે ગુનાના ભેદ ઉકેલાયા

WatchGujarat. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા આંગડીયા પેઢીના કર્મચારીને લુંટી લેવા જતી ગેંગને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી છે. કુલ ૫ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. અને તેઓની પાસેથી ઘાતક હથીયારો, તમંચા અને એક પિસ્ટલ મળી કુલ ૨.૦૨ લાખની મત્તા કબજે કરી હતી. તેમજ લાલગેટ અને પાંડેસરા પોલીસ મથકમાં નોંધયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ઉધનામાં આવેલા પટેલ મહેન્દ્ર સોમાભાઈ આંગીડ્યા પેઢીના કર્મચારીને લુંટી લેવા માટે એકઠા થયા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાંદેર ઝગડિયા ચોકડી પાસેથી અજીત ન્હારસિહ ચૌહાણ, રોનિત ઉર્ફે મોહિત ઉર્ફે વિશાલ તુલસી ચૌહાણ, પ્રીતેશ ઉર્ફે ટાયગર રામવીનોદ પરમાર, ઉદયવીર સિહ ઉર્ફે પપ્પુ તોમર અને રવી પ્રતાપસિહ તોમરને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી લોડેડ દેશી હાથ બનાવટનો તમંચો, પિસ્ટલ, 6 નંગ કાર્ટીઝ, મોટો ચપ્પુ, હથોડી, મોબાઈલ અને મરચાની ભૂકીના પડીકા સહીત કુલ 2.02 લાખની મત્તા કબજે કરી હતી. વધુમાં આરોપીઓએ ગુગલ એપ પર સર્ચ કરતા ઉધના સીલીકોન શોપર્સમાં આવેલા પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ નામની આંગડીયા પેઢી અંગે માહિતી મેળવી હતી. અને બાદમાં 15 દિવસ સુધી રેકી કરી હતી. આરોપીઓનો પ્લાન કમર્ચારી જોખમ લઈને નીકળે ત્યારે તેને લુંટી લેવાનો હતો. જો કે લુંટ કરે તે પહેલા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ કરતા લાલગેટ અને પાંડેસરા પોલીસ મથકના બે ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા. જેમાં આરોપી ઉદયવીરસિહ ઉર્ફે પપ્પુ તોમર સુરતમાં રહેણાક મકાનમાં હીરાનું કારખાનું ચલાવતો હતો. પરંતુ લોકડાઉન થઇ જતા કારખાનું બંધ થઇ ગયું હતું. અને લોકડાઉન ખુલ્યા બાદ સુરતમાં મોટી લુટ કરી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં આવી ગયો હતો અને આરોપી અજીત ચૌહાણ અને રોનિતને ઉતર પ્રદેશ તથા દિલ્હીથી બોલાવી તેની રૂમમાં આશરો આપ્યો હતો. અને બાદમાં અન્ય બે આરોપી સાથે ભેગા મળી તેઓએ ગત ૭-૧૧-૨૦૨૦ ના રોજ મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીમાં જઈ લુટ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં સફળ રહ્યા ન હતા. આ મામલે તેઓની સામે લાલગેટ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ચોરીની મોપેડ પણ કબજે કરવામાં આવી હતી. જેથી પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આ ગેંગ મોટી લુંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા જેથી મોટી લુટની ઘટના ટળી હતી. આરોપીઓને હવે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગી આ મામલે વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાંચ હાથ ધરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud