• કમિશ્નરે નમતું નહીં જોખતા ડોકટરો અને તંત્ર બન્ને આમને સામને આવી ગયા
  • 15 દિવસની ટૂંકી મુદતમાં નવા નિયમ મુજબ ફાયર સેફટીનાં સાધનો કે વ્યવસ્થા ન થાય તો હોસ્પીટલોને ‘સીલ’ કરવા નોટીસો અપાઇ રહી છે – IMA પ્રમુખ ડો. જય ધીરવાણી

WatchGujarat. શહેરની હોસ્પીટલોમાં ફાયર સેફટીનાં પૂરતા સાધનો ન હોય તેવી હોસ્પિટલો સીલ કરવાની ચીમકી મ્યુ. તંત્ર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે આ અંગે વ્યવહારુ ઉકેલ લાવવા અંગે ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા મ્યુ. કમિશ્નર સાથે બેઠક યોજી અને વધુ સમયની માંગ કરવામાં આવી હતી. જો કે કમિશ્નરે નમતું નહીં જોખતા ડોકટરો અને તંત્ર બન્ને આમને સામને આવી ગયા છે. અને હવે ડોકરોએ એવી ચિમકી ઉચ્ચારી છે. કે જો એકપણ હોસ્પીટલ સીલ કરવામાં આવશે તો દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી હોસ્પીટલોની ચાવી કોર્પોરેશનમાં જમા કરાવી અને તેઓને સંચાલન સોંપી દેવામાં આવશે.

આ અંગે IMA પ્રમુખ ડો. જય ધીરવાણીએ જણાવ્યું હતું કે, ફાયર સેફટીનાં અપૂરતાં સાધનોને કારણે તંત્ર NOC આપતુ નથી. અને 15 દિવસની ટૂંકી મુદતમાં નવા નિયમ મુજબ ફાયર સેફટીનાં સાધનો કે વ્યવસ્થા ન થાય તો હોસ્પીટલોને ‘સીલ’ કરવા નોટીસો અપાઇ રહી છે. ત્યારે આ બાબતનો વ્યવહારૂ ઉકેલ લાવવા આજે મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય માંગ એ હતી કે અનેક સેવાભાવી હોસ્પીટલો સહિતની હોસ્પીટલો જુના બિલ્ડીંગ છે. જે 30 વર્ષોથી વધુ જુની છે. જેથી તેમાં નવી સીડીકે ફાયર એકઝીટ (પાછળનો દરવાજો) અને 40 હજાર લીટર પાણીનો ટાંકો આ બધુ 15 દિવસમાં બનાવવુ શકય નથી.

ઉપરાંત અનેક નાની હોસ્પીટલો કોમ્પલેક્ષોમાં છે. જેમાં અન્ય દુકાનો પણ હોય છે. તેઓ જો ફાયર સેફટીની વ્યવસ્થા ન કરે તો બિલ્ડીંગને ફાયર NOC મળે નહીં. આમ આવી વિટંબણાઓને કારણે ફાયર NOC માટે ઓછામાં ઓછી 8થી12 મહિનાની મુદત જરૂરી છે. ત્યારે મુદત વધારી આપવા માંગ કરવામાં આવી હતી. પરંતુ મ્યુ. કમિશ્નરે આવી માંગ ગ્રાહ રાખી ન શકાય તેવો નિર્દેશ આપતાં બધા જ ડોકટરોની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં ડોક્ટરોએ નિર્ણય લીધો છે કે, હવે જો તંત્ર દ્વારા હોસ્પીટલો સીલ કરાશે, તો ડોકટરો માત્ર ઓ. પી. ડી. એટલે કે દર્દીને તપાસશે. અને ઇન્ડોર પેશન્ટ એટલે કે, દર્દીને દાખલ કરવાનું બંધ કરી દેવામાં આવશે. અને જો ગંભીર સ્થીતિ સર્જાયતો હોસ્પીટલોની ચાવી મ્યુ. કોર્પોરેશને સોંપી તેનું સંચાલન તંત્રને સોંપી દેવાનું પણ નક્કી કરાયું છે. IMA નાં આ નિર્ણયથી હવે કોર્પોરેશન અને ડોક્ટરો સામસામે આવી ગયાની સ્થિતિ સર્જાઈ છે. જો કે તેનો ભોગ સૌથી વધુ દર્દીઓને આપવો પડે તેવું લાગી રહ્યું છે. ત્યારે બંને પક્ષે કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud