• દિલ્હી અને દક્ષિણ ભારતા અનેક શહેરોમાં પ્રદુષણને કારણે પાણી પર ફીણ જામવાની ઘટનાઓ સામે આવી 
  • વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં હરિધામ સોસાયટી બાજુમાં આવેલી અર્ચના ખાડીમાં ફીણ વળ્યા
  • સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટ્યા, રોગચાળો ફાટી નિકળવાની ભીતિ

WatchGujarat. સુરતના પુણાગામ ખાતે આવેલી ખાડીમાં એકાએક ફીણના ઢગ જોવા મળતા રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. ખાડીમાં ફીણનો વિડીયો વાયરલ થતા તંત્ર પણ દોડતું થયું હતું. જો કે ખાડીનું કામ પૂર્ણ થયા બાદ આ સમસ્યા દુર થવાનો પાલિકાએ દાવો કર્યો છે. અને ફીણના ઢગ એ ટ્રીટ કરેલું પાણી હોવાનું બહાર આવ્યું હતું. જો કે પ્રવાહી પર આ પ્રકારના ફીણ પ્રદુષણને કારણે થયાના અનેક કિસ્સાઓ દિલ્હી તથા દક્ષિણ ભારતના અનેક રાજ્યમાં જોવા મળ્યા હતા.

શહેરના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં અર્ચના ખાડીની બાજુમાં હરિધામ સોસાયટી આવી છે. આ સોસાયટી બરોબર બાજુમાં ખાડીના કિનારે આવેલી છે. છેલ્લા કેટલાક દિવસથી ખાડીના ઉપર ફિણનાં ઢગલે-ઢગલાં જોવા મળી રહ્યા છે. આ ફિણનાં ઢગલા એકાએક મોટી માત્રામાં સપાટી પર આવ્યા હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે.

 

લોકોમાં ફફડાટ છે કે આ પાણીને કારણે રોગચાળો ફેલાઇ શકે છે. જો કે પાણી પર ફરી વળેલા ફીણની વાત વાયુવેગે પ્રસરતા તંત્ર દોડતું થયું હતું. તંત્રએ તપાસ બાદ સ્પષ્ટ કર્યું હતું કે, આ કોઈ ગભરાટની વાત નથી. મહાનગરપાલિકા સુત્રએ જણાવ્યું હતું કે, આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે અને ટ્રીટ કરેલું પાણી છે. હાલમાં ખાડી ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ ખાડીને પેક કરીને તેના પર રોડ અને બ્યુટીફીકેશનનું કામ થશે.આ કામગીરીને પગલે ખાડીમાં માટીપુરાણ કરીને ખાડીના રસ્તાને સાંકડો અને ઊંડો કરવાની કામગીરી ચાલે છે.

વધુમાં સુત્રએ ઉમેર્યું હતું કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોસેસ કરેલું પાણી છોડાય છે. ખાડીનું મુખ નાનું થતાં આ પ્રકારના ફિણ જોવા મળે છે. જોકે આનાથી કોઈના આરોગ્યને ખતરો નથી. જો કે, રહેણાંક વિસ્તારની નજીક અચાનક ખાડીના પાણી પર ફીણ જમા થતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud