- PSI તરીકે ફરજ બજાવતા અમિતા જોષીએ લફડેબાજ પોલીસ પતિ વૈભવ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગત તા. 5 ડીસેમ્બરના રોજ આપઘાત કરી લીધો
- એક તરફ પિતા પોલીસ કસ્ટડીમાં છે અને બીજી તરફ બાળક તેના પિતા વગર રહી શકતું નથી
WatchGujarat. નાનાં – મોટા ગુનેગારોની પુછપરછ કરવામાં પરસેવો પાડતાં પોલીસ અધિકારીઓની હાલત ત્યારે કફોડી થઈ જાય છે જ્યારે પોલીસ કર્મીની જ પુછપરછ કરી તેની પાસેથી વિગતો કઢાવવાની હોય. એમાંય હાલ PSI અમિતા જોષી આપઘાત કેસની તપાસ કરતાં મહીધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાલત તો વધુ કફોડી બની છે. કારણકે, આપઘાત કેસમાં ઝડપાયેલો અમિતા જોષીનો પતિ પોલીસ કર્મી છે અને તેની સાથે 5 વર્ષનો પુત્ર પણ પોલીસ મથકમાં છે. આ સંજોગોમાં પિતાની પુછપરછમાં સ્હેજ ઉંચા અવાજે ઘાંટો પાડી દેવામાં આવે ત્યારે પુત્ર હેબતાઈ જાય છે. અને એવાં સંજોગોમાં મહિધરપુરા પોલીસ એક માસુમ સાથે બાળક બની છે અને બીજી તરફ તેના પિતાની પુછપરછ કરી રહી છે. #PSI
શહેરના ઉધના પોલીસ સ્ટેશનમા મહિલા PSI તરીકે ફરજ બજાવતા અમિતા જોષીએ લફડેબાજ પોલીસ પતિ વૈભવ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી ગત તા. 5 ડીસેમ્બરના રોજ આપઘાત કરી લીધો હતો. અમિતા જોષીએ પોતાની સર્વીસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી જીવનનો અંત આણી દીધો હતો. આ મામલે તેમના પતિએ પતિ વૈભવ સહીત તેના સાસુ સસરા અને બે નણંદ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે તમામની ધરપકડ કરી વૈભવના 25 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તેની પુછપરછ હાથ ધરી છે. #PSI
અમિતા જોષીના આપઘાત બાદ બાળકે માતાની છાત્રાછાયા ગુમાવી દીધી છે. ત્યારે એક તરફ પિતા પોલીસ કસ્ટડીમાં છે અને બીજી તરફ બાળક તેના પિતા વગર રહી શકતું નથી. થોડી વાર માટે પણ પિતાથી દૂર થતા બાળક તુરંત જ રડવા લાગે છે. માસુમ બાળક તેના પિતા સિવાય કોઇની પાસે જતો પણ નથી. જેથી કોર્ટે બાળકને પિતા સાથે જ રહેવાની મંજૂરી આપી છે.
એક તરફ વૈભવ બે દિવસના રિમાન્ડ હેઠળ છે, ત્યારે પોલીસ તેના આડા સંબંધો, મિસિંગ ડાયરી, સંપત્તિ વિગેરે મામલે પુછપરછ કરી રહીં છે. પોલીસ પુછપરછ દરમિયાન અનેક વખત વૈભવ સહયોગ ન આપતા પોલીસ અધિકારીઓ કડકાઇ અપનાવે તે સ્વાભાવિક છે. પરંતુ પોલીસની સ્થિતિ ત્યારે કફોડી બની જાય છે જ્યારે 5 વર્ષના પુત્રની હાજરીમાં તેના પિતાની પુછપરછ કરવામાં આવે છે. પિતાની પુછપરછ દરમિયાન બાળક ડરી ન જાય તેની ખાસ કાળજી પોલીસ અધિકારીઓ લઇ રહ્યાં છે. જોકે પોલીસ તપાસમાં કોઇ ઢીલાશ ન રહીં જાય તેનુ પણ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુૂં છે.
આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનના એક ઉચ્ચઅધિકારીએ watchgujarat.com સાથે ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે, કોર્ટના હુકમથી બાળકને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. બાળકની તમામ જરૂરીયાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેને રમવા માટે એક રૂમ ફાળવવામાં આવ્યો છે જ્યાં ખાસ રમકડાની પણ વ્યવસ્થા કરાઇ છે. બાળકને એકલતા ન લાગે તે માટે સતત એક મહિલા કોન્સટેબલ સિવિલ ડ્રેલમાં તેની સાથે જ રહે છે. જોકે આ બાળકની માતા અને પિતા બન્ને પોલીસ કર્મી હોવાથી તે અનેક વખત તેમની સાથે પોલીસ સ્ટેશનમાં આવતો હતો. જેથી પોલીસ સ્ટેશનની ગતીવિધી તે વાકેફ છે. પરંતુ તે તેના પિતાથી સહેજ પણ જુદો રહી શકતો નથી અને તેના પિતાની પુછપરછ કરવી પણ જરૂર છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, પુછપરછ દરમિયાન પોલીસને આરોપી સાથે સખ્તાઇ વર્તવી પડે છે. પરંતુ બાળકની હાજરીમાં આ કરવુ ખુબ કઠીન છે. માસુમ બાળક જોડે માનવતા દાખવીને તેના પિતાની કડકાઇથી પુછપરછ કરી રહી છે.