• વનિડાની ધાબળા અને તકિયા વડે મોઢું દબાવી હત્યા કરી એડાએ લાઈટરથી તેને સળગાવી દીધી હતી
  • થાઇલેન્ડની યુવતિ ટુરિસ્ટ વિઝા પર હતી અને સુરત ખાતે સ્પામાં કામ કરતી હતી.
  • 6 સપટેમ્બરના રોજ યુવતિના લાશ તેના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મળી આવી
  • ઘરનો દરવાજો બહારથી લોક હતો અને પોલીસને શંકા ઉપજવી
  • મૃતક યુવતિના બે મોબાઇલ ફોન અને સોનાના દાગીના પણ ગાયબ હતા
  • વિદેશી યુવતિની હત્યાને પગલે ફોરેન એમ્બેસી સતત સુરત પોલીસના સંપર્કમાં હતી.
  • યુવતિના ઘર નજીક લાગેલા સીસીટીવી કેમેરા અને રિક્ષા ચાલકની સર્તકતાએ હત્યા કરનાર મહિલા સુધી પોલીસને પહોંચવામાં મદદ કરી

સુરત. શહેરના મગદલ્લા વિસ્તારમાં 6 સપ્ટેમ્બરના રોજ થાઈ સ્પા ગર્લની એક રૂમમાંથી સળગેલી હાલતમાં લાશ મળી હતી. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં સફળતા મળી હોવાનું પોલીસ કમિશનર અજય તોમરે પ્રેસ-કોન્ફરન્સ કરી જાહેર કર્યું છે. પોલીસ-તપાસ પ્રમાણે, મૃતક યુવતી વનિડાની મિત્ર એડાએ જ લૂંટના ઈરાદે હત્યા કરી છે. દારૂ પીધા બાદ વનિડાની ધાબળા અને તકિયા વડે મોઢું દબાવી હત્યા કરી એડાએ લાઈટરથી તેને સળગાવી દીધી હતી. એડાના ઘરની તપાસ કરતાં મૃતક વનિડાની ચેઈન, રોકડ અને મોબાઈલ મળી આવ્યાં છે. જ્યારે હત્યા પહેલા બંનેએ દારૂ, હુક્કો અને ગાંજો પણ પીધો હોવાનું જાણવા મળ્યું છે.

ટેક્નિકલ અને સીસીટીવીની મદદથી કડી મળી

સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે ગત 6 સપ્ટેમ્બરે મગદલ્લાના ભૈયા સ્ટ્રીટના એક મકાનના પહેલા માળે રૂમમાં થાઈલેન્ડની વનિડા બુસોર્ન નામની યુવતીની સળગી ગયેલી હાલતમાં લાશ મળી હતી, જેથી મિત્રોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વનિડાના મોબાઈલ ફોન અને ગોલ્ડ ચેઈન ગાયબ હતાં. આસપાસના સીસીટીવી કેમેરામાં તપાસમાં કરાઈ હતી અને તમામ એકસપર્ટની મદદ લેવામાં આવી હતી. દરમિયાન ટેક્નિકલ અને સીસીટીવીની મદદથી કડી મળી હતી, જેમાં નજીકમાં રહેતી એડાની ગતિવિધિ શકમંદ જણાઈ આવી હતી. એડાએ પહેલા પૂછપરછમાં ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને આ ઘટનામાં તેની સંડોવણી છે તેવો સાફ તે ઇનકાર કરતી હતી. જોકે 11મી તારીખે એડાના ઘરેથી સોનાની ચેઈન અને મોબાઈલ મળી આવ્યાં હતાં.

સુરત પોલીસ કમિશનર અજય તોમર

વનિડાના રૂમને લોક કરી આરોપી મહિલાએ ચાવી ક્યાં સંતાડી હતી

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પોલીસની મહેનત અને ઉચ્ચ અધિકારીઓ સહિત ડીસીપી ઝોન 3ના અધિકારી ઉપરાંત એસઆઈટી દ્વારા ખૂબ મોટા પુરાવા સાથે ગુનો ડિટેકટ થયો છે. રૂમના દરવાજા બહારથી બંધ કરવામાં આવ્યા છે એ સૌથી મોટી કડી હતી. દરવાજાને લોક મારવામાં આવ્યો હતો, એની ચાવી આરોપી મહિલાના ઘરે સંતાડવામાં આવી હતી. હાલ મહિલાની કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. ત્યાર બાદ અટકાયત કરવામાં આવશે.

ધાબળા અને તકિયા વડે મોઢું દબાવી હત્યા કરી સળગાવી દીધી

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી મહિલા હોવાને કારણે જવાબદારી વધી ગઈ હતી અને થાઈ એમ્બેસીના સહયોગથી આ ગુનો ડિટેકટ થઈ શક્યો છે. આરોપી એડાના જણાવ્યા પ્રમાણે, તે રાત્રે ઘરે ગઈ હતી. બાદમાં ઘરે હુક્કો અને ડ્રિંક્સ પણ પીધો હતો. વધુ નશો કર્યા બાદ વનિડાનું ધાબળા અને તકિયા વડે મોઢું દબાવી હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ રૂમમાં લાઈટરથી આગ ચાંપી દીધી હતી. રૂપિયાની જરૂર હોવાથી વનિડાની એડાએ હત્યા કરી હતી. પરિવાર સાથે મૃતકના ડીએનએ ટેસ્ટ કરાશે.

પૂછપરછમાં ચોંકાવનારી વિગતો મળી

એડા સામે અગાઉ જાપાન અને મલેશિયામાં હતી. એ વખતે જાપાનમાં જુગારનો કેસ અને મલેશિયામાં વિઝા પૂરા થતાં ગેરકાયદે વસવાટનો કેસ પોલીસમાં દાખલ થયો હોવાની વાત સ્પાના સંચાલકે પોલીસને જણાવી હતી. ટૂંકમાં, એસઆઇટીએ ગુનો ઉકેલી નાખ્યો છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોય હોવાની એડાએ કબૂલાત કરી છે.

ચોખાના ડબ્બામાંથી ચેઈન મળી

પોલીસે એડાની રૂમમાં સર્ચ કર્યું હતું, જે અંતર્ગત રૂમમાં ચોખાના ડબામાંથી વનિડાની સોનાની ચેઇન મળી આવી હતી. આ ચેઇન એડાને બતાવતા શરૂઆતથી જ પોતાની સંડોવણીનો ઇનકાર કરનાર તેનો ભાંડો ફૂટી ગયો હતો. તેણે લૂંટના ઇરાદે વનિડાની હત્યા કર્યાની કબૂલાત કરી છે.

આ જગ્યાએ વનિડાને જીવતી સળગાવી દેવામાં આવી હતી.

હત્યામાં અન્ય કોઈની સંડોવણીની તપાસ

હાલમાં પોલીસ દ્વારા વનિડાની હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, કંઈ રીતે હત્યા કરી, રાત્રે 3.50 કલાકે વનિડાના રૂમમાંથી નીકળી પરત 4.40 કલાકે કેમ આવી હતી અને કેટલી રોકડ હતી એ અંગેની એડાની પૂછપરછ હાથ ધરી છે.

એડાએ પોલીસને ચકરાવે ચડાવી હતી

વનિડાના રહસ્યમય મોતમાં શરૂઆતથી શંકાના દાયરામાં આવનાર એડાએ પોલીસને ચકરાવે ચડાવી હતી. શનિવારે રાત્રે વનિડાના રૂમ પર જમી એક કલાકમાં પરત ઘરે આવી ગઈ હોવાનું કબૂલાત કરનાર એડા વહેલી સવારે 3.50 કલાકે મોઢા પર સ્કાફ બાંધી રૂમમાંથી નીકળતાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઉપરાંત સીસીટીવીમાં તે જે કપડાંમાં નજરે પડી હતી એ પણ તેની રૂમમાંથી મળી આવ્યાં હતાં, પરંતુ આ મુદ્દે પણ પોલીસ સમક્ષ જૂઠાણું ચલાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud