• કોરોનાકાળમાં નવી સિવિલના કુલ 140 અને સ્મીમેરના 180 નર્સ ભાઈબહેનો કોરોનાગ્રસ્ત થયા હતા
  • વર્ષ 2020માં ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ તરીકે મનાવવામાં આવ્યું હતું
  • સ્મીમેરના 553 નર્સિંગ સ્ટાફમાંથી 180 કોરોનાગ્રસ્ત થયા હતા, તમામ સ્વસ્થ થઈને ફરજ પર જોડાઈ ચૂક્યા છે

WatchGujarat. 12 મે એટલે ઈન્ટરનેશનલ નર્સિસ ડે. કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભૂમિકા નિભાવતું હોય તો તે નર્સિંગ સ્ટાફ છે. ડોક્ટર્સ સાથે ખભેખભા મિલાવી દર્દીઓની સારવારમાં તેઓ પણ કોઈપણ પ્રકારના ડર વગર, જીવની પરવા કર્યા વિના તેમની ફરજ નિભાવી રહ્યા છે. સુરત શહેરની તમામ સરકારી અર્ધસરકારી, પાલિકા હેલ્થ સેન્ટર્સ ખાતે કુલ 5,000 નર્સિંગ કોરોના યોદ્ધાઓ રજા લીધા વિના ફરજ નિભાવી રહ્યા છે, અને શહેરને કોરોનામુક્ત રાખવામાં અગત્યનું યોગદાન આપી રહ્યાં છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાં 680૦ નર્સિંગ ભાઈઓ-બહેનો કોરોના દર્દીઓની સેવા-સુશ્રુષામાં કર્તવ્યરત છે.

ગત વર્ષ 2020ની પ્રથમ લહેર અને આ વર્ષની બીજી લહેર દરમિયાન નવી સિવિલના કુલ 140 નર્સ ભાઈબહેનો કોરોનાગ્રસ્ત થયા હતા, જે પૈકી બે પુરૂષ અને ત્રણ મહિલા નર્સ એમ પાંચના દુઃખદ નિધન થયા છે. જ્યારે સ્મિમેરમાં કુલ 553 નર્સ ફરજ બજાવી રહ્યા છે, 56 એડમિન સ્ટાફ ઉપરાંત 149 નર્સિંગ વિદ્યાર્થીઓની પણ સેવા લેવામાં આવી રહી છે. સ્મીમેરના 553 નર્સિંગ સ્ટાફમાંથી 180 કોરોનાગ્રસ્ત થયા હતા, જે તમામ સ્વસ્થ થઈને ફરજ પર જોડાઈ ચૂક્યા છે.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા જણાવે છે કે, કોરોનાકાળનું છેલ્લું એક વર્ષ ખરા અર્થમાં નર્સિંગ વર્ગ માટે અગ્નિપરીક્ષા સમાન રહ્યું છે. એક વર્ષથી સુરતનો નર્સિંગ સ્ટાફ અવિરત કોરોના સામે લડી ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે, જે તેમની કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સતત 8 – 10 કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં દર્દીઓને દરેક પ્રકારની મદદ કરવામાં પાછીપાની કરતા નથી.

સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદી જણાવે છે કે, સ્મિમેરમાં નર્સિંગ સ્ટાફમાં કોરોનાગ્રસ્ત થવા છતાં કોઈનું પણ અવસાન નોંધાયું નથી. સ્ટાફના હેલ્થ અને હાઇજિન અને સાથે મોટિવેશન પણ આપવામાં આવે છે. સ્ટાફગણ કોરોના સંક્રમિત થવા છતાં સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી સેવાની જવાબદારી પૂર્વવત વહન કરે છે. કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે એમ ત્રિવેદી જણાવે છે.

નર્સિંગ સ્ટાફની બહેનો નારીશક્તિનું ઉત્તમ ઉદારહણ પૂરું પાડે છે. ઘર-પરિવારના સભ્યોના સહકાર અને સંમતિથી આ મહામારીમાં ફરજથી વિશેષ જીવના જોખમે માનવીય સેવાને પ્રાધાન્ય આપીને કર્મનિષ્ઠાનું અનેરૂ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યાં છે.  આટલું જ નહીં, નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. વર્ષ 2020માં ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ મિડવાઈફ તરીકે મનાવવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud