• મુખ્યમંત્રીના સુરતના કાર્યક્રમમાં ભાજપની તાકીદ છતાં પણ 26 કોર્પોરેટરો હાજર રહ્યાં ન હતા
  • શાસક પક્ષ નેતા અમિત રાજપુતે શહેર પ્રમુખની સુચનાથી આ 26 કોર્પોરેટરોને નોટીસ ફટકારીને ખુલાસો માગ્યો હતો
  • આ કોર્પોરેટરોએ નોટીસના ખુલાસામાં વિદ્યાર્થીઓની જેમ બહાના આપ્યા હતા
  • ગેર હાજર રહેલાં કોર્પોરેટરોના ખુલાસાના કારણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા

WatchGujarat. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં ભાજપની તાકીદ છતાં પણ 26 કોર્પોરેટરો હાજર રહ્યા ન હતા. જે બાદ શાસક પક્ષના નેતા અમિત રાજપુતે આ તમામ 26 કોર્પોરેટરો પાસેથી નોટીસ ફટકારીને ખુલાસો માગ્યો હતો. જે બાદ સીએમના કાર્યક્રમમાં ગેરહાજરી બદલ આ કોર્પોરેટરોએ વિદ્યાર્થીઓની જેમ બહાના આપ્યા છે. કોર્પોરેટરોના ખુલાસાના કારણ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

ગેરહાજર રહેલાં કોર્પોરેટરોએ વિદ્યાર્થીઓની જેમ ગેર હાજરીના બહાના કાઢ્યા

ગત 26 ડિસેમ્બર, રવિવારના રોજ સુરત ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો નદી ઉત્સવ યોજાયો હતો. ભાજપ દ્વારા શહેરના તમામ કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોને આ કાર્યક્રમમાં હાજર રહેવા તાકીદ આપવામાં આવી હતી. તેમ છતાં 26 કોર્પોરેટરો કાર્યક્રમમાં હાજર રહ્યાં ન હતા. જેને પગલે ગેરહાજર રહેલાં કોર્પોરેટરોને શાસક પક્ષ નેતા અમિત રાજપુતે શહેર પ્રમુખની સુચનાથી નોટીસ ફટકારી ખુલાસો માગ્યો હતો. હાસ્યાસ્પદ બાબત છે કે જેમ સ્કુલમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહીને શિક્ષક સામે બહાના કાઢે છે તેવી જ રીતે આ નોટીસના ખુલાસામાં કોર્પોરેટરોએ બહાના કાઢ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ નોટીસના જવાબમાં 26 પૈકીના નવ કોર્પોરેટરોએ પોતે અથવા પોતાના પરિવારના સભ્યો બિમાર હોવાનો ખુલાસો કર્યો હતો. આ સિવાય કતાર ગામના એક કોર્પોરેટરે ખુલાસામાં કહ્યું કે, પોતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવતાં હતા પરંતુ તેની બાઈકમાં પંકચર પડતાં તેઓ કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા. હદ તો ત્યારે થઈ જ્યારે બે કોર્પોરેટરને ખુલાસો કરતાં જણાવ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનકી બાતના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા તેના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા. અન્ય એક કોર્પોરેટરે જણાવ્યું કે, ક્રિકેટની પ્રેક્ટીસ દરમિયાન  ઈજા થઈ હોવાથી કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા. હાસ્યાસ્પદ બાબત છે કે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ સુરતના કોર્પોરેટરોએ વિદ્યાર્થીઓની જેમ ગેરહાજરીના બહાના નોટીસના ખુલાસામાં કર્યા છે. જેથી આજે કોર્પોરેટરોના આ કારણો લોકોમુખે ચર્ચાનો વિષય બન્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners