• નકલી ઇન્જેક્શન રૂ. 7 હજારમાં વેચી ભેજાબાજ કાળાબજાર પણ કરતો હતો.
  • કોરોના કાળમાં લેભાગુ તત્વોથી બચવા માટે સરકારી તંત્રના ભરોસે રહેવાને બદલે નાગરીકો જાતે જ સતર્ક રહે.

Watch Gujarat. કોરોના સંક્રમણનો બીજો વેવ એક તરફ લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે ત્યારે અનેક લેભાગુ તત્વો આ આફતના સમયને અવસરમાં બદલી રહ્યાં છે. સુરતમાં કોરોના દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા ભજવતાં રેમડેસીવીર ઇન્જેક્શનમાં ઘાલમેલ કરનાર શખ્સ આજે ઝડપાઈ ગયો હતો. પાણી ભરેલાં અને એક્સ્પાયરી ડેટના નકલી રેમદેસીવીર ઇન્જેક્શન વેચનારને પકડીને લોકોએ પોલીસને સોંપ્યો હતો. પોલીસે શખ્સ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ફરિયાદી જીગ્નેશભાઈનો મામાનો દીકરો કોરોના સંક્રમણની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દરમિયાનમાં દર્દીનું ઓક્સિજન લેવલ 80ની આસપાસ જતું રહેતાં રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરીયાત ઉભી થઈ હતી. જીગ્નેશભાઈએ રેમડેસીવીરની વ્યવસ્થા કરવા માટે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. તેણે 7 હજાર લેખે 6 ઇન્જેક્શનના 42 હજાર રૂપિયા કિંમત જણાવી હતી. ઇન્જેક્શનની તાત્કાલિક જરૂરીયાત હોવાથી જીગ્નેશભાઈએ કિંમત ચૂકવવાની તૈયારી બતાવી હતી. જેને પગલે તેઓએ અઠવા ગેટ પાસે મળવાનું નક્કી કર્યું હતું.

જીગ્નેશભાઈ અઠવા ગેટ પાસે પહોંચ્યા ત્યારે એક શખ્સ કારમાં ઇન્જેક્શનની ડિલિવરી આપવા માટે ત્યાં આવ્યો હતો. તેની પાસેથી મળેલાં ઇન્જેક્શનની બોટલ પર 2020ને બદલે 2021 કરવામાં આવ્યું હોવાનું જોતાં તે નકલી હોવાની આશંકા જતાં જીગ્નેશભાઈએ હોબાળો મચાવ્યો હતો. હેટ્રો કંપનીના ઇન્જેક્શન પાવડરના સ્વરૂપમાં આવતાં હોય છે, જ્યારે ભેજાબાજે આપેલું ઇન્જેક્શન લિક્વિડ ફોર્મમાં હોવાથી, તેણે ઇન્જેક્શનમાં પાણી ભર્યું હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચીને કોરોના દર્દીઓના સ્વજનને લૂંટવાનો કિમીયો કરનાર ભેજાબાજને લોકોએ સરથાણા પોલીસને સુપરત કર્યો હતો. સરથાણા પોલીસે આરોપી યુવકને ઉમરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

હાલના તબક્કે પોલીસ તંત્ર પાસેથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ, સૂત્રો અનુસાર, આ ભેજાબાજે અત્યાર સુધીમાં કેટલાં નકલી ઇન્જેક્શન વેચ્યાં? એની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે? ભેજાબાજે વેચેલાં નકલી ઇન્જેક્શનને કારણે કોઈ દર્દીનું મોત નિપજ્યું છે કે કેમ? રેમડેસીવીરની ખાલી બોટલનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો? વગેરે મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.

એકંદરે, હાલ લોકોની મજબૂરીનો ગેરલાભ લેનારા તત્વો હોસ્પિટલ્સથી માંડી સ્મશાન ગૃહ સુધી આંટા મારી રહ્યાં છે ત્યારે નાગરીકોએ સતર્ક રહેવું આવશ્યક બને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud