• એજન્સીના પાર્ટનરો વચ્ચેના મામલામાં ધાક ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનો પહોંચ્યો હતો
  • રાજસ્થાન ગયેલા પાર્ટનરે વાપીમાં મેડિકલ એજન્સી ચલાવતા પાર્ટનરને WhatsApp કોલ કરીને દસ લાખ રૂપિયા માંગ્યા
  • પાર્ટનર સાથે બદલો લેવા માટે તેના મેડિકલ ના નામની ખોટી બિલ બુક છપાવીને તેના ઉપર ખોટી સહીઓ કરી અને તેની પાસેથી 20 લાખ રૂપિયા માંગ્યા
  • અન્ય પાર્ટનરે પોલીસ ફરિયાદ નોંધાવવા જતા પીએસઆઇએ રૂપિયા માંગતા મામલો એસીબી પહોંચ્યો

Watchgujarat. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં PSI પી.એલ.દાફડા એ મેડિકલ એજન્સીના માલિક પાસેથી પોતાની FIR દાખલ કરવા માટે મેડિકલ એજન્સી ના માલિક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અને ફરિયાદી પાસેથી અગાઉ ટુકડે ટુકડે ચાર લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદીએ એન્ટીકરપ્શન માં ફરિયાદ કરી હતી. જેને ધ્યાને લઇ ACB દ્વારા છટકુ ગોઠવી આરોપી PSI ને એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો.

આ ઘટનાની વિગત પ્રમાણે, વાપીમાં મેડિકલ એજન્સી ચલાવતા બે પાર્ટનર હતા. જેમાંથી એક પાર્ટનર પોતાના કામ અર્થે રાજસ્થાન ગયો હતો. રાજસ્થાન ગયેલા મિત્રોએ ત્યાં કોઈ ગુનો કર્યો હોવાથી રાજસ્થાન પોલીસે તેની ધરપકડ કરી હતી. રાજસ્થાન ગયેલા પાર્ટનરે વાપીમાં મેડિકલ એજન્સી ચલાવતા પાર્ટનરને WhatsApp કોલ કરીને દસ લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ વાપીમાં રહેતા પાર્ટનરે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. થોડા દિવસો બાદ રાજસ્થાન ગયેલા પાર્ટનરે વાપીના પાર્ટનર સાથે બદલો લેવા માટે તેના મેડિકલ ના નામની ખોટી બિલ બુક છપાવીને તેના ઉપર ખોટી સહીઓ કરી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો તેને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પૂર્વ પાર્ટનરના હેરાનગતિથી કંટાળીને વાપીના પાર્ટનરે પૂર્વ પાર્ટનર સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

મેડિકલ એજન્સીના માલિકે કરેલી અરજીની તપાસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના PSI પી. એલ. દાફડા કરી રહ્યા હતા. પરંતુ PSI પી.એલ.દાફડા એ આ મામલામાં FIR દાખલ કરવા માટે મેડિકલ એજન્સી માલિક પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરી હતી. અને અગાઉથી જ PSI પી.એલ.દાફડા એ ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે રૂ. 4 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. અને તેની સાથે સાથે PSI એ ફરિયાદી પાસેથી AC ફ્રિઝ, 2-સેટી, 2-ગાદી, 1-કબાટ, 1-ગીઝર કુલ મળીને 86 હજાર રૂપિયાની ચીજ વસ્તુઓ પણ લીધી હતી. આટલાથી પણ PSI પી.એલ.દાફડા ની રૂપિયાની ભુખ સંતોષાઇ ન હતી જેથી ફરિયાદી પાસેથી ફરિયાદ દાખલ કરવા માટે હજી એક લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી આ બાબતે મેડિકલ એજન્સીના માલિકે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો. અને ACB ની ટીમે તરત એક્શનમાં આવી છટકું ગોઠવી દીધુ હતું.

લાંચની રકમ લેવા માટે PSI પી.એલ.દાફડા મેડિકલ એજન્સી માલિક ના ઘરે ગયો હતો. અને આ બાબતની જાણ અગાઉથી જ ACB ને કરી દેવામાં આવી હતી. PSI જેમ એક લાખ રૂપિયા હાથમાં લીધા ત્યારે જ ACB ની ટીમ ત્યાં ત્રાટકી હતી. અને એક લાખની રકમ સાથે PSI પી.એલ.દાફડા ની ધરપકડ કરી હતી. હાલ આ મામલે એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ રિશ્વત એક્ટ પ્રમાણે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud