• ફિલ્મી ઢબે કરાયેલા અપહરણમાં એક પણ નિશાન ન છુટે તેવી સફાઇ પુર્વક ગુનાને અંજામ આપ્યો
  • સુરત રેન્જ એડિ. ડીજી રાજકુમાર પાંડિયન, વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા પોલીસની ટીમે અપહરણકારો પાસેથી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના છોડાવી દીધાઃ
  • સોનાર ગેંગે સુરતના સોહેલ હિંગોરા અપહરણ કેસમાં પણ સામેલ હોવાનું ખુલ્યું

WatchGujarat. વલસાડના ઉમરગામના બિલ્ડર જીતુ પટેલને વલસાડ જિલ્લા પોલીસે 7 દિવસની અંદર અપહરણ કારો પાસેથી સુરક્ષિત રીતે છોડાવી દઇ અપહરણ કરનારી સોનાર ગેંગના ખુંખાર ગુર્ગાઓની ધરપકડ કરી છે. રૂ. 30  કરોડની ખંડણી માટે અપહરણ કર્યાનું પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, 22 માર્ચના રોજ ઉમરગામ ખાતેથી અજાણ્યા શખ્સોએ બિલ્ડરનું બંદુકની અણીએ અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ ગુનાને અંજામ આપવા માટે ચોરી કરેલી હાઇ સ્પીડ કારનો ઉપયોગ કર્યો હતો. અપહરણકારો એટલે શાતીર હતા કે, અપહરણ બાદ ગુનેગારોની ઓળખ થઇ શકે તેવા કોઇ નિશાન સ્થળ પર છોડવામાં આવ્યા ન હતા. દરમિયાન પોલીસને સમગ્ર મામલે જાણ થતા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

24 માર્ચના રોજ અપહ્યત જીતુ પટેલના મોબાઇલ સીમકાર્ડનો ઉપયોગ કરીને તેની પત્નીને વારંવાર રૂ. 30 કરોડ ખંડણી પેટે માંગવા માટે ફોન આવ્યા હતા. અને જો ખંડણીના કરોડો રૂપિયા આપવામાં નહિ આવે તો બિલ્ડર જીતુ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. એક સાથે રૂ. 30 કરોડની માંગણી કરાતા બિલ્ડરની પત્નીએ ખંડણીની રકમ ઓછી કરવા માટે વિનંતી કરી હતી. જો કે, આરોપીઓ ટસના મસ થયા ન હતા .અને એક પણ રૂપિયો ઓછો કરવા તૈયારી બનાવી ન હતી. ત્યાર સુધીમાં પોલીસે રાજ્યોના વિવિધ શહેરોમાં બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સ નેટવર્ક એક્ટીવ કરી દીધું હતું.

ચોક્કસ વ્યુહરચનાના આધારે અપહરણકારો મહારાષ્ટ્રથી ઝડપાયા

સુરત રેન્જ એડિ. ડીજી રાજકુમાર પાંડિયન અને વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઉમરગામના બિલ્ડર જીતુ પટેલને અપહરણકારો પાસેથી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના છોડાવી દીધા છે. જીતુ પટેલના અપહરણ બાદ વલસાડ પોલીસની જુદી જુધી ટીમ તપાસમાં લાગી હતી. બિલ્ડર જીતુ પટેલને અપહરણ કરી મહારાષ્ટ્ર લઇ જવાયા હતા. આ કેસમાં પ્રોફેશનલ ગેંગ સામેલ હોવાનું જાણવા મળતાં એડિ. ડીજી અને વલસાડ એસપી સતત આ કેસમાં કાર્યરત હતા. તેમણે વ્યુહરચના ગોઠવી રૂ. ૩૦ કરોડની ખંડણી માંગનારા સોનાર ગેંગના 7 અપહરણ કરનારાઓને મહારાષ્ટ્રના રત્નાગીરીથી પકડી પાડ્યા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અપહરણ કારો પાસેથી શું મળી આવ્યું

ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસે સંયુક્ત રીતે કેમ્પ રાખીને અપહરણકારોને પકડી પાડ્યા હતા. અપહરણકારો પાસેથી પિસ્તોલ – 1, મેગ્ઝીન – 2, મોબાઇલ ફોન – 8, સીમકાર્ડ, રોકડ રકમ, દિલ્લીથી ચોરી કરેલી હોન્ડાસીટી અને ફોર્ચ્યુનર કાર, બનાવટી નંબર પ્લેટ, ખોટા આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગુનાહિત કૃત્યમાં કોની સંડોવણી સામે આવી

કરોડો રૂપિયાની ખંડણી કાંડમાં કુખ્યાત અપહરણ કર્તા ચંદન સોનાર તથા તેના સાગરીત પપ્પુ ચૌધરી, દિપક ઉર્ફે અરવિંદ યાદવ, અજમલ હુસૈન અંસારી, અયાઝ, મોબીન ઉર્ફે ટકલ્યા, ઇશાક મુંઝાવર તથા જીતનેશ કુમાર ઉર્ફે બબલુ કુમાર યાદવની સંડોવણી સામે આવી હતી. જેમાં તમામ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં વારંવાર રેકી કરીને આયોજનબદ્ધ રીતે ખંડણી માટે અપહરણ કર્યાનું સામે આવ્યું હતું.

સોનાર ગેંગનો ગુનાહિત ઇતિહાસ

જીતુ પટેલનું અપહરણ સુરતના સોહેલ હિંગોરાનું અપહરણ કરનારી ગેંગે જ કર્યું હતુ. આ ગેંગના સાગરીત પપ્પુ ચૌધરી આ અપહરણમાં મુખ્ય સૂત્રધાર હતો. જેને પોલીસે પકડી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. પપ્પુ ચૌધરી અગાઉ પણ ગુજરાત પોલીસના સકંજામાં આવ્યો હતો, પરંતુ તેના છૂટકારા બાદ ફરીથી તે અપહરણના વેપલામાં ફરીથી જોતરાઇ ગયો હતો.પપ્પુ ચૌધરી ગુજરાતમાં જ નહી, પરંતુ યુપી, ઝારખંડ, એમપી જેવા રાજ્યોના ઉદ્યોપતિઓના અપહરણમાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud