• સરકાર દ્વારા નિયમોના પાલનમાં પ્રજા અને ચુંટાયેલા પ્રતિનીધીઓ માટે અલગ અલગ માપદંડ
  • ધારાસભ્યને સવાલ કરવો સામાન્ય નાગરીકને ભારે પડ્યો
  • માસ્ક મામલે પ્રજાને લુંટતી પોલીસ ધારાસભ્ય સામે કાર્યવાહી કરશે તેમ પુછતા જ સમર્થકો ઉશ્કેરાયા
  • ચુંટાયેલા પ્રતિનિધીને પ્રજા પ્રશ્ન પુછે પસંદ નહિ હોવાનો કિસ્સો સામે આવ્યો 

WatchGujarat. આજકાલ ચૂંટણીની મોસમ ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી આવતાની સાથે રાજકીય પાર્ટીના ઉમેદવારો હાથ જોડીને મત માંગવા નીકળી રહ્યા છે. દરમિયાન સુરતમાં એક યુવકે ધારાસભ્ય વિનું મોરડીયાને સ્થાનિક સમસ્યા અંગે રજુઆત કરી હતી. જો કે ધારાસભ્યને કોઇ સવાલ પુછે તે ગમતુ ન હોવાને કારણે રાજકીય આગેવાનોના મળતીયાઓએ રજુઆત કરનાર યુવકને માર માર્યો હતો. તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઇને રજુઆત કરનાર યુવાનને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં આપણે જોયું કે પ્રજા અને ચુંટાયેલા પ્રતિનીધીઓ માટે નિયમો લાગુ કરવાના માપદંડ અલગ અલગ છે. એક તરફ પ્રજા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, રાત્રી કર્ફ્યું  સહિતની કોરોના ગાઇડલાઇન્સના નજીવા ઉલ્લંઘન બદલ દંડાતી હતી. ત્યારે રાજકીય આગેવાનો દ્વારા બેખોફ થઇને જનમેદની એકઠી કરી કાર્યક્રમો કરવામાં આવતા હતા. જો કે, કોરોનાની વેક્સીન આવ્યા બાદ સ્થિતીમાં સુધારો જોવ મળી રહ્યો છે.

કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.  જેને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે અને આ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. હવે ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર પણ કરી રહ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોર નજીક હરિદર્શનના ખાડા પાસે આવેલી એક સોસાયટીમાં ગતરોજ વોર્ડ નંબર-8ની ભાજપની પેનલ સાથે ધારાસભ્ય વિનુ મોરડિયા લોકોને મળવા પહોંચ્યા હતા.

ઉમેદવારો અહીં લોકો પાસેથી તેમની પાર્ટી માટે મત માંગવા અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેતા રાજુ જોધાણીએ ઉમેદવારો સમક્ષ સોસાયટીના રસ્તા મામલે અનેક વખત રજુઆત કરવામાં આવી છતાં કામગીરી ન થતી હોવાનું જણાવ્યું હતું. યુવકે એવું પણ જણાવ્યું હતું કે કોરોના સમયે નગરસેવકો તેમના વિસ્તારમાં ફરક્યા પણ ન હતા. આ ઉપરાંત સામાન્ય લોકો માસ્ક ન પહેરે તો તંત્ર દંડ ફટકારી રહ્યું છે ત્યારે આજે મત માંગવા આવેલા ઉમેદવારો અને ધારાસભ્યએ માસ્ક નથી પહેર્યું તો તેમને કોણ દંડ ફટકારશે?

આવી વાત સાંભળ્યા બાદ ઉમેદવારના મળતિયાઓએ યુવકને માર માર્યો હતો. જે બાદમાં પોતાની વગ વાપરીને આ યુવાન વિરુદ્ધ પ્રચાર દરમિયાન હંગામો કરવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે યુવકને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આમ, સુરતના એક યુવકને ઉમેદવારો સામે પોતાના સ્થાનિક પ્રશ્નોન મામલે રજુઆત કરવાનું ભારે પડ્યું છે. યુવકને પોલીસને આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યાની માહિતી મળી છે. યુવક ઉપરાંત તેના પિતાને પણ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. રાજકીયા આગેવાનની જોહુકમનીનો ભોગ બનેલા લોકોને મળવા માટે આમ આદમી પાર્ટીના અગ્રણી ગોપાલ ઇટાલીયા પહોંચ્યા હતા. અને સમગ્ર મામલો પોલીસમાં રજુઆત કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud