• ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમાયા બાદ પાર્ટીને આગામી વિધાનસભા ચુંટણીમાં 182 સીટો પર જીત અપાવવા માટેના લક્ષ્યાંક હાંસલ કરવા માટે તેઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા.
  • હોસ્પિટલના બિછાનેથી ભાજપ પ્રમુખ સીઆર પાટીલે બાળકીના ઓપરેશન માટે મદદ મોકલાવી
  • રવિ ત્રિપાઠીની એક દિવસની બાળકીને અન્નન્નળીમાં સમસ્યા હોવાથી તેનું ઓપરેશન જરૂરી હતું.
  • મદદ માટે સીઆર પાટીલ સાથે વિડીયો કોલમાં વાત કર્યા બાદ મદદની ખાતરી મળી હતી
  • પાર્ટીના પાયાના કાર્યકરમાં જોમ અને ઉત્સાહ જગાડવા માટે પોતાની પરવાહ કર્યા વગર તેમને સાંભળતા હતા
  • લક્ષ્યાંક હાંસલ કરવા માટે અનેક જગ્યાએ ટીકા-ટીપ્પણીનો સામનો કર્યા બાદ પણ તેઓ તેમના કાર્યક્રમને અટલ પણે અનુસરતા હતા
  • સીઆર પાટીલે સત્તાપક્ષ અને કાર્યકરોનો જોડવા માટે સેતુ બાંધ્યો

સુરત. ભાજપ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આગામી વિધાનસભાની 182 સીટ જીતવા માટે દિવસ રાત એક કરનારા સીઆર પાટીલને કોરોના પોઝીટીવ આવતા હાલ તેઓ સારવાર હેઠળ છે. હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહેલા સીઆર પાટીલની સુરતના રવિ ત્રિપાઠીએ વિડીયો કોલ કરી પુત્રીના ઓપરેશન માટે મદદ માંગી હતી. વિડીયો કોલ કર્યા બાદ સીઆર પાટીલે ઓપરેશન માટે મદદ કરવાની તૈયારી દર્શાવતા ત્રિપાઠી પરિવારમાં ખુશી છવાઇ હતી.

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સીઆર પાટીલની નિમણુંક કરવામાં આવી હતી. નિમણુંક બાદ પાયાના કાર્યકરોમાં ઉર્જા સંચાર કરવા માટે સીઆર પાટીલે લોકોને મળવાનું અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનું શરૂ કરી દીધું હતું. પાયાના કાર્યકર અને સત્તાધીશો વચ્ચેનું અંતર ધટાડવા માટે તેઓ સતત માર્ગદર્શન આપતા હતા. તેમના પ્રયાસોને કારણે ગાંધીનગર ખાતે આવેલા કમલમમાં નેતાઓએ સપ્તાહમાં ચોક્કસ સમયે કાર્યકરોને મળવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન તેમની તબિયત લથડતા સારવાર અર્થે અમદાવાદની કોર્પોરેટ સેગમેન્ટમાં આવતી એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના પોઝીટીવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે સીઆર પાટીલને વિડીયો કોલ મારફતે મદદ માંગવામાં આવી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા રવિ ત્રિપાઠીની એક દિવસના બાળકને અન્નન્નળીમાં સમસ્યા હોવાથી તેનું ઓપરેશન જરૂરી હતું. હોસ્પિટલ દ્વારા ઓપરેશનનો ખર્ચ લાખોમાં બતાવવામાં આવ્યો હતો. પરિવાર આર્થિક રીતે સક્ષમ નહિ હોવાથી ઓપરેશનનો ખર્ચ ક્યાંથી કાઢવો તેની મૂંઝવણમાં હતો. તેવા સમયે તેમણે સી.આર પાટીલને વિડીયો કોલ કર્યો હતો.અને પોતાની વ્યથા વર્ણવી હતી. સીઆર પાટીલ હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યા હોવા છતાં વિડીયો કોલ રિસીવ કરીને સી.આર.પાટીલે તેમની વેદના સાંભળી હતી. પરિવારની સ્થિતિ જાણ્યા બાદ સી.આર.પાટીલે તેમને 25 હજારની આર્થિક સહાય તેમજ મા કાર્ડ કરાવી આપવાની મદદ કરી હતી.

હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહેલા ભાજપના પ્રદેશ પ્રમુખે એક પિતાની વ્હારે આવીને માનવતા અને નેતૃત્વનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તબિયત નાદુરસ્ત હોય તેવા સમયે નેતાઓ એકાંતવાસમાં ગરકાવ થઇ જતા હોય છે અને ચોક્કસ નિયુક્ત કરવામાં આવેલા વ્યક્તિ દ્વારા જ તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપવાની પ્રથા રાજ્યમાં અનેક જગ્યાએ છે. પરંતુ સીઆર પાટીલ કોરોના પોઝીટીવ થયા બાદ સારવાર લઇ રહ્યા હોવા છત્તા સામાન્ય નાગરીકની વાત સાંભળી તેને મદદ કરવાની તૈયારી બતાવી હતી. સીઆર પાટીલની મદદ બાદ અનેક નેતાઓ ખરાબ તબિયતને કારણે એકાંતવાસમાં જવાની જગ્યાએ લોકસેવામાં કાર્યરત થશે. સીઆર પાટીલ ના આ પ્રસંગ પરથી ફલિત થાય છે કે, તેઓ છેવાડાના માણસ સાથે જોડાયેલા છે. અને કપરા સમયે ગમે ત્યારે છેવાડાનો માનવી તેની વ્યથા લઇને પ્રદેશ પ્રમુખ પાસે જઇ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud