બાબુ રાયકા શહેર કોંગ્રેસ પ્રમુખ

સુરત – શહેર કોંગ્રેસ પ્રમુખ તેમના બેફામ વાણીવિલાસના કારણે વિવાદમાં આવ્યા છે. કોંગ્રેસ સેવાદળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી સાથે તેમણે સુરતી ભાષામાં ગાળાગાળી કરી હતી. એટલું જ નહિ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. સમગ્ર મામલે ધર્મેશ મિસ્ત્રીએ કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે અઠવા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી.

હકીકત એવી છે કે વર્ચ્યુઅલ રેલી માટે ભાડેથી ખુરશીઓ મંગાવવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ કેટરિંગ વાળો પોતાની ખુરશીઓ લઈ ગયો હતો. જોકે તેની સાથે તે કોંગ્રેસ કાર્યાલયની પણ બે ખુરશીઓ લઈ જતા ધર્મેશે પ્રમુખ બાબુ રાયકાના પુત્ર ઋષિન રાયકાને ફોન કર્યો હતો.

આટલી નાની બાબતે બંને પિતા પુત્ર ભડકી ગયા હતા. અને તેઓએ ધર્મેશને ફોન પર સુરતી ભાષામાં ગાળો આપી હતી. તેમણે કોંગ્રેસ કાર્યાલયની ચાવી માંગીને ધર્મેશને હવે પછી દેખાયો તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

જોકે આ શાબ્દિક ટપાટપી અને ગાળાગાળીનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાદમાં ધર્મેશ મિસ્ત્રીએ કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે અઠવા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. કોંગ્રેસ પ્રમુખ અને પુત્ર સાથે થયેલી આ માથાકૂટ બાદ કોંગ્રેસ સેવાદલના પ્રમુખ પદેથી ધર્મેશ મિસ્ત્રીને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા હતા અને તેમના સ્થાને સંતોષ પાટીલની વરણી કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !