સુરત. નવરાત્રી એ ગુજરાતીઓનો પોતીકો તહેવાર છે. નવ દિવસ ચાલનારા સૌથી લાંબા આ તહેવારનો યુવા હૈયાઓ કાગડોળે રાહ જોતા હોય છે. પણ ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર જ એવું હશે કે જ્યારે કોરોનાના કારણે નવરાત્રીનું આયોજન નહિ થશે. કોરોનાએ આ વખતે યુવા ખેલૈયાઓના ગરબાના થનગનાટ પર બ્રેક લગાવી છે. પણ ગુજરાતીઓ અને ગરબાને કોઈ અલગ કરી શકે નહીં. એ બાબત સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ સાચી સાબિત કરી બતાવી છે.

અત્યારસુધી નવરાત્રીમાં અવનવા અને રંગબેરંગી સ્ટાઇલમાં પારંપરિક ચણિયાચોળી અને કેડિયું પહેરીને ગરબા રમતા ખેલૈયાઓને તો તમે જોયા હશે પણ હવે કોરોના કાળમાં ભલે નવરાત્રી પર બ્રેક લાગી હોય, ખેલૈયાઓના ઉત્સાહને કોણ રોકી શકે ? સુરતમાં IDT ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ નવરાત્રી માટે જે વેશ પરિધાન તૈયાર કર્યા છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

આ વિદ્યાર્થીઓએ પ્રોટેકટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. એટલે કે પીપીઈ કીટ પર પેઇન્ટિંગ, આભલા, મિરર, ટીક્કી અને ભરતકામ કરીને કોરોના સામે રક્ષણ આપે તેવા ડિઝાઇન સાથેના ચણિયાચોળી અને કેડિયું તૈયાર કર્યું છે.

પીપીઈ ચણિયાચોળીની લેયરિંગ પણ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે જેથી ગરબા રમતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગ પણ જળવાઈ રહે. પારંપરિક ડ્રેસ તૈયાર કરવાની સાથે તેઓએ માસ્ક અને દાંડિયા સ્ટીકનું પણ ડીસ્પોઝેબલ કવર પણ બનાવ્યું છે. ડ્રેસ દુપટ્ટા પણ પીપીઈ ફેબ્રિકથી જ બનાવ્યું છે. જેને સુરતના એક મોલમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. લોકોએ તેને ખૂબ વખાણ્યું હતું.

નવરાત્રી અને પારંપરિક ચણિયાચોળી એકબીજા વગર અધૂરા છે. જેને IDT એ આ કોરોનાકાળમાં પૂર્ણ કર્યા છે. ભલે નવરાત્રીનું આયોજન ન હોય પણ ગુજરાતીઓ ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ આ વિદ્યાર્થીઓએ આપ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !