સુરત. કોરોનાએ લોકોની લાઇફસ્ટાઇલ બદલી નાંખી છે. આ મહામારીએ લોકોને ઘણું બધું શીખવાડ્યું પણ છે. લોકડાઉનમાં એકબીજાનો સંપર્ક ન કરી શકતા લોકો ઓનલાઈન માધ્યમથી જ જોડાયેલા રહ્યા હતા. અને હજી પણ કોરોનાની મહામારી ચાલી રહી હોય લોકો એકબીજાના સંપર્કમાં આવતા ડરી રહ્યા છે. તેવામાં ઈન્ટરનેટ સેવા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. વાત કરીએ બિઝનેસની તો ઉદ્યોગ ધંધા કરતા લોકો માટે પણ હવે આ જ ઓનલાઈન સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

ગુજરાત માટે સુરત શહેર એ આર્થિક કરોડરજ્જુ સમાન છે. અહીંના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ ગુજરાત માટે આર્થિક પીઠબળ પૂરું પાડે છે. પણ કોરોનાના સમયથી શરૂ થયેલા લોકડાઉને શહેરની આર્થિક કરોડરજ્જુ જાણે તોડી નાખી હતી. લોકડાઉનના સમયમાં શહેરના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરીએ તો સંપૂર્ણ બંધ રહી હતી. અને અનલોક પછી પણ ઇન્ડસ્ટ્રીઝની હાલત હજી સુધરી શકી નથી. જેનું મુખ્ય કારણ પણ કોરોના જ છે. લોકોના મનમાં હજી કોરોના મહામારીનો ડર યથાવત છે. તેનું પરિણામ એ છે કે તહેવારો નજીક હોવા છતાં જે ખરીદી હોવી જોઈએ તેની રોનક હજી જામી નથી.

દિવાળી પહેલા અન્ય રાજ્યો અને શહેરોના વેપારીઓની સુરત શહેરમાં અવરજવર વધી જતી હોય છે. ખરીદીનો માહોલ એ પ્રકારે હોય છે કે માર્કેટમાં પગ મુકવાની જગ્યા નથી હોતી. પણ કોરોનાના કારણે વેપારીઓ ખરીદી માટે મુસાફરી પણ ટાળી રહ્યા છે. જોકે જ્યાં મુસીબત હોય ત્યાં રસ્તો પણ હોવાનો જ. સુરતના વેપારીઓએ આ આપત્તિને પણ અવસરમાં ફેરવી નાંખી છે. સુરતના કાપડવેપારીઓ મોટા ભાગે હવે ઓનલાઈન બિઝનેસ તરફ વળ્યા છે. સમયની માંગને સમજીને હવે બિઝનેસ કરવા માટે ખરીદ વેચાણ માટે વિવિધ માધ્યમો થકી અન્ય રાજ્યો અને શહેરોના વેપારીઓ સાથે સંપર્ક વધારવામાં આવ્યો છે.

ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા લોકોનું પણ કહેવું છે કે આટલા વર્ષોમાં પહેલીવાર ઓનલાઈન બિઝનેસ ધંધા તરફ આ ગતિએ વેપારીઓ વળ્યાં હશે. દિવાળી જેવો સૌથી મોટો તહેવાર નજીક છે ત્યારે કોરોનાના ડરથી હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતા ઓનલાઈન સેવાનો ઉપયોગ કરીને ધંધો કરવામાં જ વેપારીઓ ભલાઈ સમજી રહ્યા છે.

 

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલના ડિરેકટર સુરત ટેક્સટાઇલ ઉધોગ માટે આ ઓનલાઈન ઈન્ટરનેટ સેવા આશીર્વાદરૂપ જ ગણે છે. કોરોનાના સમયમાં સાવ ઠપ્પ થયેલા શહેરનાં કાપડઉદ્યોગ માટે ઓનલાઈન માધ્યમો સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે.

માર્કેટની નાની દુકાનોમાં ગાદલા પર બેસીને કપડાંના ભાવતોલ કરતા વેપારીઓના હાથમાં બિઝનેસ કરવા આજે જાણે દુનિયા નાની થઇ ગઈ છે. આજે તે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી કે વિડીયો કોલ દ્વારા સાડી ડ્રેસનું ખરીદવેચાણ આસાનીથી કરી શકે છે ત્યારે ખરેખર મરણપથારીએ પડેલા સુરતના કાપડઉદ્યોગ માટે ઈન્ટરનેટ અને ઓનલાઈન સેવા ઓક્સિજન સાબિત થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !