- 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ, સરકારના પુર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ
- વિસ્તારમાં એક કોરોના પોઝીટીવ કેસ આવતા લોકોમાં ફફડાટ
WatchGujarat. કોરોનાથી બચવાના ઉપાયોના અમલીકરણને લઇને કોર્ટ પણ સતત દેખરેખ રાખી રહી છે. તેવા સમયે તાપીના ડોસવાડામાં લગ્ન પ્રસંગનો વિડીયો વાઇરલ થયો હતો. લગ્ન પ્રસંગ પુર્વ મંત્રી કાંતિ ગામીતના પુત્ર દ્વારા આયોજીત હોવાનું સામે આવતા 18 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાંજે પુર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યના પૂર્વ મંત્રી અને હાલમાં સોનગઢ તાલુકામાંથી સુમુલના ડિરેક્ટર કાંતી ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ એકઠું થયું હતું. જેથી રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલી આ સગાઈના વાઈરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ આ સગાઈનો મુદ્દો ગાજ્યો હતો. સમગ્ર મામલે પુર્વ મંત્રી કાંતિ ગામીત સહિત અન્ય લોકો પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
મોડી સાંજે પુર્વ મંત્રી કાંતિ ગામીતની સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી હતી. જેને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગુરૂવારે મોડી સાંજે પુર્વ મંત્રી સહિત 18 લોકોને સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી પ્રમાણે, ડોસવાડામાં પ્રસંગમાં હજારો લોકો એક સાથે ડીજેના તાલે ઝુમતા હોવાનો વિડીયો વાઇરલ થયાના બીજા દિવસે વિસ્તારમાં એક 45 વર્ષિય પુરૂષ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેને કારણે આગામી સમયમાં વિસ્તારમાં કોરોના વકરે તો નવાઇ નહિ. સરકારની લાખ મનાઇ છતા છુટા છવાયા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે. જો આ રીતે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કોરોના સામેની લડાઇ ખુબ જ લાંબી ચાલી શકે છે.