- ગત તા. 30 નવેમ્બરના રોજ તાપી જિલ્લા ડોસવાડા ખાતે પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઇનો કાર્યક્રમ યોજાયો હતો.
- તાપી જિલ્લાના ડોસવાડા ગામના સરપંચ છે જીતુ ગામિત (કાંતિ ગામિતના પુત્ર)
- કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થતાં સરકારી કોરોનાની ગાઇડલાઇનના ધજાગ્રા ઉડ્યાં હતા.
- કાર્યક્રમનો વિડિઓ વાઇરલ થતાં હાઇકોર્ટે સુઓમોટો લઇ તાત્કાલીક તપાસના આદેશ કર્યાં હતા.
- હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લેતા તંત્ર એક્શનમાં આવ્યું
WatchGujarat. ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની દેવદિવાળીના દિવસે સગાઇ યોજવામાં આવી હતી. જેમાં 2000 લોકોને આમંત્રીત કરવામાં આવ્યાં હતા. કોરોના કાળમાં સરકાર જ્યાં લગ્ન પ્રસંગમાં 100થી વધુની મંજૂરી આપતી નથી, ત્યાં પૂર્વ મંત્રીની પૌત્રીની સગાઇમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હોવાનો વિડિયો વાઇરલ થયો હતો. જોકે કાર્યક્રમ યોજાયો ત્યારે સ્થાનિક તંત્ર અને પોલીસ ઘોર નિંદ્રામાં હતી. તેવામાં હાઇકોર્ટે આ બાબતની ગંભીર લેતા તાત્કાલીક તપાસનો આદેશ કરી તંત્ર સામે લાલ દાખવી હતી.
તાપી જિલ્લાના ડોસવાડા ગામે ગત તા. 30 નવેમ્બરના રોજ ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિતની પુત્રીની સગાઇનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની કોવિડની ગાઇડલાઇનનો છડેચોક ભંગ થયો હતો. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ આ કાર્યક્રમમાં હાજર જોવા મળ્યું હતુ. કોરોના કાળમાં માસ્ક વગર ફરવુ સામાન્ય જનતા માટે જોખમી છે, પરંતુ નેતાઓ માટે સહેજ પણ જોખમી ન હોય તેવી સ્થિત અહીં જોવા મળી હતી.
કાંતિ ગામીતના પૌત્રીની સગાઇમાં 2000 લોકોને આમંત્રીત કરાયા હોવાનુ તેઓ જણાવી રહ્યાં છે. જ્યારે કોરોનાના કપરા સમયમાં સરકાર લગ્ન પ્રસંગ ટાણે માત્ર 100ની હાજરની મંજૂરી આપે છે. ત્યારે 2000 લોકોને કંઇ રીતે આમંત્રીત કરાયા તે એક પ્રશ્ન છે. બીજી મહત્વની બાબત એ પણ છે કે, 2000 લોકોને આમંત્રીત કરાતા પોલીસ મંજૂરી પણ લેવામાં આવી ન હોવાનુ પણ કાંતિ ગામીતએ જણાવી રહ્યાં છે. આટલી મોટી સંખ્યામાં લોકો એક કાર્યક્રમમાં હાજરી આપતા હોય અને આ બાબતની પોલીસ અને પ્રશાસન અજાણ હોય તે વાત ગળે ઉતરી તેમ નથી. ગત રોજ આ સમગ્ર ઘટનાનો વિડિઓ વાઇરલ થતા સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારમાં દોડધામ મચી હતી. દરમિયાન હાઇકોર્ટે આ મામલે સુઓમોટો લેતા ગંભીર બેદરકારી સામે લાલ આંખ દાખવી હતી.
હાઇકોર્ટે લાલ આંખ દાખવતા ઉપરોક્ત મામલે પૂર્વ મંત્રીના પુત્ર જીતુ ગામીત જેઓ કાર્યક્રમમાં આયોજક હતા તેમની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જ્યારે તાપી જિલ્લાના પોલીસ ઇન્સપકેટર સી.કે ચૌધરીને તાત્કાલીક ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.