• નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
  • 11 લાખથી વધુ ફ્રન્ટ લાઈન કર્મચારીઓને વેક્સિનનો પહેલા ડોઝ અપાશે.
  • મુખ્યમંત્રીએ પીએમ મોદી સાથે ગુજરાતમાં રસીકરણની સજ્જતા અંગે ચર્ચા કરી હતી
  • 50 વર્ષથી વધુની વયના અંદાજિત 1.5 કરોડ નાગરિકોનો ડેટાબેઝ તૈયાર

WatchGujarat પુણેની સીરમ ઇન્સ્ટીટ્યુટની “CORONA Vaccine” અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી છે. “CORONA Vaccine”નો 2.76 લાખનો પ્રથમ જથ્થો અમદાવાદ આવ્યો હતો. જેના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે.

 

અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 .76 લાખનો જથ્થો અત્યારે આવ્યો છે, જેમાં અમદાવાદ માટે 1.8 લાખની વેક્સિન આવી. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાયો છે. તેમજ ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

પુણેની સીરમ ઇન્સ્ટીટ્યુટની “CORONA Vaccine” 11 વાગ્યે વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્યસચિવ જ્યંતી રવિએ એરપોર્ટ પર આવી વેક્સિનનાં વધામણાં કર્યાં હતાં. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.

16 જાન્યુઆરીના રોજ થનાર કોરોના રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વિડિયો-કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી તથા વિગતો મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં વડાપ્રધાનને આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 11 લાખથી વધુ ફ્રન્ટ લાઈન કર્મચારીઓને વેક્સિનનો પહેલા ડોઝ અપાશે.

ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1.5 કરોડ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2.75 લાખ લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં અંદાજિત 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રીજનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાની સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળ ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud