• સુશીલાના લગ્નજીવનને 12 વર્ષ થયા છે અને તે એક બાળકની માતા પણ છે
  • મહિલા એલઆઇસી ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કરે છે, અને પગભર છે
  • મહિલાના પતિએ શંકાના આધારે તેણીને ઘરમાંથી કાઢી મુકી
  • મહિલાની મદદ અભયમની ટીમે આવીને પરિવારને જોડી રાખવામાં મહત્વની ભુમિકા ભજવી

Watchgujarat. કહેવા માટે તો આપણે ટેકનોલોજીવા યુગમાં જીવી રહ્યા છીએ. પરંતુ હજી પણ માત્ર શંકાના આધારે પગભર મહિલાઓ પર ત્રાસ ગુજારવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એલ.આઈ.સી.માં સફળતાપૂર્વક કારકિર્દી ઘડ્યા બાદ પણ  મહિલા એજન્ટની સાસરી અને પિયરમાં થતી હેરાનગતિના નિવારણમાં વડોદરાની અભયમ ટીમ સહાયરૂપ બની. છેલ્લા 8 વર્ષથી એલ.આઈ.સી.માં એજન્ટ તરીકે કાર્યરત મહિલાને શંકાશીલ પતિ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, વળી તેને પિયરમાં પણ આશ્રય ન મળ્યો. અંતે મૂંઝાયેલી આ મહિલાએ 181 પર કોલ કરી અભયમ ટીમને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સુશીલાના લગ્નજીવનને 12 વર્ષ થયા છે અને તે એક બાળકની માતા પણ છે. સુશીલા એલ.આઈ.સી. એજન્ટ તરીકે સફળતાપૂર્વક કાર્યકરી રહ્યા છે. જ્યારે તેમના પતિ એચ.આર. વિભાગમાં નોકરી કરે છે. સુશીલાબેનને વીમાના કામ માટે ઘણા લોકોના સંપર્કમાં રહેવું પડે છે. આ કારણોસર તેમના પતિ તેઓ ચરિત્રહીન છે તેવો આક્ષેપ કરે છે અને એજન્ટ તરીકેનું આ કાર્ય છોડી દેવા દબાણ કરે છે.

આ બાબતને લઇને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડાઓ થતાં રહે છે. બે દિવસ પહેલા તેમના પતિએ તેમને મારીને ઘરેથી કાઢી મૂક્યા. ત્યારબાદ તેમના પિતા દ્વારા પણ તેમને સહારો ન મળતાં આખરે 181 મહિલા હેલ્પલાઈનમાં મદદ માટે કોલ કર્યો હતો. અભયમ ટીમે સુશીલાના પિતા અને પતિનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, જો એજન્ટ તરીકે કામગીરી છોડી દેશે તો જ અમે અપનાવીશું.

સુશીલા પોતાની કારકિર્દી બનાવી આર્થિક રીતે પગભર થવા માંગે છે. માટે તે એજન્ટનું કામ છોડવા તૈયાર નથી. અભયમ ટીમે તેને આશ્વાસન આપ્યું અને જાનનું જોખમ હોઈ પોલીસમાં રજૂઆત કરવામાં આવી. સુશીલાબેનને અભયમ ટીમ દ્વારા મળેલી હિંમત અને સહયોગ માટે તેમણે અભયમ ટીમનો આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓ અનેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તેવા સમયે પગભર મહિલાઓને પ્રોત્સાહન આપવાની જગ્યાએ કેટલાક પરિવારોમાં શંકા કુશંકાના આધારે તેના પર ત્રાસ ગુજારવાની ઘટનાઓ સામે આવતી હોય છે. મહિલા સંબંધિત સમસ્યાઓના ઉકેલમાં 181 અભયમની ટીમ દ્વારા અત્યંત સરાહનીય કામગીરી કરવામાં આવે છે. મહિલાને સમયસર મદદ મળવાને કારણે સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud