• પતિએ રૂપિયા પરત ના કરવા પડે તે માટે દર આઠ મહિને 4 શહેર બદલ્યા
  • અવારનવાર ઘર બદલતો પતિ કોઈ કામધંધો કરતો ન હોવાની પત્નીને જાણ થઈ
  • પત્નીનાં 8 તોલા સોનું અને રૂ, 1,20 લાખ રોકડા પણ પતિએ પડાવી લીધાં
  • દીકરી અને પોતાના ભવિષ્ય માટે પતિ સામે ફેમિલી કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ નોંધાવી

WatchGujarat ઘરનુ ગુજરાન ચલાવવા માટે કામ ધંધો કરવાને બદલે લોકો પાસેથી ઉછીના નાણા લઇ દેવુ કરતો ફરતો પતિ દર આઠ મહિના ઘર બદલી કાઢતો હતો. પત્નીનુ 8 તોલા સોનુ, રોકડ રકમ અને સસરાના સવા લાખ ઉડાવી નાખ્યાં હતા. પતિની આ પ્રકારની વારંવારની કરતુતોથી કંટાળેલી પત્નીએ આખરે પોલીસનો સહારો લેવાની નોબત આવી પડી હતી.

વડોદરાના ડભોઇ રોડ પર રહેતી પીડિતાના પ્રથમ લગ્ન વર્ષ-2007માં થયા હતા. સાત વર્ષના પ્રથમ લગ્નજીવન દરમિયાન દીકરીનો જન્મ થયો હતો. પ્રથમ પતિ સાથે અણબનાવ બનતાં વર્ષ-2014માં તેણીએ છૂટાછેડા લઇ લીધાં હતાં. ત્યાંર બાદ વર્ષ-2015માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રહેતા અલ્પેશ પરસોતમભાઈ થંબુડિયા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. જોકે અલ્પેશના પણ આ બીજા લગ્ન હતા અને તેને પ્રથમ પત્નીથી એક પુત્રી છે.

લગ્ન બાદ પરણીતાએ અલ્પેશ સાથે પાલનપુરના મકાનમાં સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. શરૂઆતમાં અલ્પેશ પરણિતા અને બંને દીકરીને સમાન પ્રેમ આપતો હતો. થોડા સમય બાદ અલ્પેશે પત્નીને માનસિક ત્રાસ આપવાની સાથે દીકરીને પિતાનો પ્રેમ આપવાનું પણ બંધ કરી દીધું હતું. પાલનપુરમાં આઠ માસ રહ્યા બાદ અલ્પેશ પત્ની અને બંને દીકરીને લઇ અમદાવાદના ઓઢવમાં રહેવા આવી ગયો હતો. ઓઢવમાં પાંચ-છ માસ રહ્યા બાદ, ઘોડાસરમાં રહેવા લઇ ગયો હતો. ત્યાં 10 મહિના રહ્યાબાદ ફરીથી મહેસાણા રહેવા લઈ ગયો હતો અને ત્યાં 8 મહિના રહ્યાબાદ ફરીથી ઘોડાસર રહેવા લઈ ગયો હતો.

શહેર અને વિસ્તાર અવારનવાર બદલી રહેલા પતિ અલ્પેશને પત્નીએ તમે શું નોકરી-ધંધો કરો છો? અવારનવાર કેમ મકાનો બદલો છો? બાબતે પૂછ્યું હતું. ત્યારે અલ્પેશે સ્ટેશનરીનો ધંધો કરું છું, તેવું જણાવી વાત ટાળી દીધી હતી. પરંતુ પતિના કામ-ધંધા અંગે તપાસ કરતાં અલ્પેશ જ્યાં પણ રહેવા જાય ત્યાં લોકો પાસેથી ઉછીનાં નાણાં લેતો હતો અને નાણાં પરત આપવાનો સમય આવે અને લોકો ઉઘરાણી શરૂ કરે ત્યારે તે શહેર બદલી નાખતો હોવાની જાણ થઇ હતી.

પોતાની દીકરીઓના ભવિષ્યની ચિંતા કરીને પરિણીતા નોકરી કરવાની સલાહ આપતી ત્યારે પતિ અલ્પેશ અકળાઇ જતો હતો અને જણાવતો હતો કે, હું જ્યાં અને કેવી રીતે તારે અને તારી છોકરીએ રહેવું પડશે. અને જો તું આ બાબતે કોઇને જાણ કરીશ તો હું આપઘાત કરી લઇશ, તું તથા તારા પરિવારને ફસાવી દઈશ. આમ પતિ અલ્પેશે ધમકીઓ આપીને 8 તોલા સોનું અને રૂપિયા 1,20,000 રોકડા પણ પડાવી લીધાં હતાં અને તે અંગે પરિણીતા પૂછતાછ કરતી તો અલ્પેશ મારઝૂડ કરતો હતો અને કહેતો હતો કે તારું સોનું અને નાણાં ક્યારેય પરત મળશે નહિ.

વર્ષ-2018માં પતિએ મારઝૂડ કરીને દીકરી સાથે પરણીતાને ઘરમાંથી કાઢી મુકતા પિયરમાં રહેવા ગઇ હતી. ત્યાર બાદ સમાજના અગ્રણીઓએ સમાધાન કરાવ્યું હતું. સમાધાન કર્યા બાદ પતિ સાથે વડોદરામાં રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ વડોદરામાં પણ પતિએ તેની આદત પ્રમાણે લોકો પાસેથી ઉછીનાં નાણાં લેતો હતો અને લોકો ઉઘરાણી કરવા આવતા હતા. આખરે પરણીતાએ પોતાના અને દીકરીના ભવિષ્ય માટે પતિ અલ્પેશ થંબુડિયા સામે વડોદરા ફેમિલી કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવ્યા બાદ પતિ બોગસ પોલીસવાળા ઘરે મોકલીને કેસ પરત લઇ લેવા ધાકધમકી અપાવતો હતો. જેથી પરણીતાએ કંટાળી મહિલા પોલીસમાં પતિ અલ્પેશ થંબુડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud